સૌરાષ્ટ્ર યુનિમાં 24 હજાર ડિગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફર્યા બાદ કોઈ લેવા આવ્યું નથી
રાજકોટઃ વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ ડિગ્રી. સર્ટી. લેવા માટે પદવીદાન માટેનું જરૂરી ફી સાથે ફોર્મ ભરતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મમાં પુરૂ સરનામું લખતા જ નથી અથવા ખોટૂં સરનામું લખે છે. બીજીબાજુ પદવિદાન સમારોહમાં હાજર રહ્યા ન હોય તેના વિદ્યાર્થીઓને એડી.રજિસ્ટરથી તેને આપેલા સરનામે ડિગ્રી સર્ટી મોકલવામાં આવે છે. પરંતુ સરનામું અધુરૂ અથવા ખોટું હોવાથી માકલેલા ડિગ્રી સર્ટી. પરત આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્થાપનાથી અત્યાર સુધીમાં લાખો વિદ્યાર્થી જુદા જુદા કોર્સની ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી પોસ્ટ મારફત મોકલી આપે છે પરંતુ કેટલાક વિદ્યાર્થીના ઘરના ખોટા સરનામા સહિતના કારણોસર અત્યાર સુધીમાં અંદાજિત 24 હજારથી વધુ ડિગ્રી પાછી આવી છે. જોકે યુનિવર્સિટીએ આ તમામ પાછી આવેલી ડિગ્રીઓ વ્યવસ્થિત સાચવી રાખી છે. પરત આવેલી ડિગ્રીનું લિસ્ટ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકે છે અને રૂબરૂ યુનિવર્સિટીએથી પોતાની ડિગ્રી લઇ શકે છે. પણ વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટી લેવા માટે આવતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જેવી હાલત અન્ય યુનિવર્સિટીઓની પણ છે. સૌરાષ્ટ્ર યુનિ.માં 24000થી વધુ ડિગ્રીઓ પાછી આવી છે. જેમાં 1 નવેમ્બર 1970 થી લઇને 2021 સુધીની જુદી જુદી ફેકલ્ટીની ડિગ્રીઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ જાહેર કરેલી યાદીમાં સિરિયલ નંબર, ડિગ્રી સિરિયલ નંબર, સ્ટુડન્ટ નેમ, એક્ઝામ નેમ, સીટ અથવા એનરોલમેન્ટ નંબર અને સેનેટની તારીખ ઓનલાઇન વેબસાઇટ પર જાહેર કરી છે. જે વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ડિગ્રી મેળવી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓની ડિગ્રી યુનિવર્સિટીમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રીની માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઓનલાઇન પણ મેળવી શકે છે. બાદમાં કોઈપણ પ્રકારની ઓનલાઈન કે ઓફલાઈન પ્રક્રિયા કર્યા વિના જ યુનિવર્સિટીમાં રૂબરૂ આવીને પોતાનું આઈડી પ્રૂફ રજૂ કરીને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે.
સૌરાષ્ટ્ર યુનિના સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી અધૂરા કે ખોટા સરનામાને કારણે યુનિવર્સિટીએ પોસ્ટમાં મોકલેલી ડિગ્રી જે-તે વિદ્યાર્થીના સરનામેથી પાછી યુનિવર્સિટી આવી ગઈ છે. વિદ્યાર્થીઓએ પોતાના નામની ડિગ્રી છે કે કેમ તે ચકાસવા માટે યુનિવર્સિટીની વેબસાઈટ ખોલવાની રહેશે. એક્ઝામ સેક્શનમાં જઈને રિટર્ન ડિગ્રી સર્ટિફિકેટ ઉપર ક્લિક કરવાથી જેટલી પાછી આવેલી ડિગ્રી યુનિવર્સિટીમાં પડી છે તેનું લિસ્ટ ખૂલશે. તેમાંથી પોતાનું નામ સર્ચ કરીને શોધી શકશે અને મેળવી શકશે.