દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2423 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત,પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો
- દિલ્હીમાં પોઝિટિવ રેટ 15% પર પહોંચ્યો
- કોરોનાના 2423 નવા કેસ નોંધાયા
- બે દર્દીઓએ ગુમાવ્યો પોતાનો જીવ
8 ઓગસ્ટ,દિલ્હી:રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2423 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન સંક્રમણનો દર વધીને લગભગ 15 ટકા થઈ ગયો છે.તે જ સમયે, કોરોનાના કારણે છેલ્લા 24 કલાકમાં બે દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો છે.ખાસ વાત એ છે કે આ વર્ષે ફેબ્રુઆરી પછી પહેલીવાર દિલ્હીમાં નવા કેસની સાથે સંક્રમણના ફેલાવાના દરમાં આટલો વધારો જોવા મળી રહ્યો છે.
5 ઓગસ્ટે રાજધાનીમાં કુલ 2419 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. અગાઉ 3 ફેબ્રુઆરીએ સૌથી વધુ 2668 કેસ નોંધાયા હતા.તે જ સમયે, છેલ્લા ચોવીસ કલાકમાં દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર વધીને 12.95 ટકા થઈ ગયો હતો.અગાઉ 23 જાન્યુઆરીએ સંક્રમણનો દર 13.32 ટકા નોંધાયો હતો.જો આપણે સક્રિય દર્દીઓની સંખ્યા વિશે વાત કરીએ, તો હાલમાં રાજધાનીમાં આવા દર્દીઓની કુલ સંખ્યા 6876 હતી. જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજધાની દિલ્હી સહિત દેશના વિવિધ રાજ્યોમાં કોરોનાના વધતા આંકડાઓને જોતા કેન્દ્ર સરકારે સાત રાજ્યોને પત્ર લખીને આગામી તહેવારોને લઈને ચેતવણી આપી છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે સાત રાજ્યોને પત્ર લખીને કહ્યું હતું કે,છેલ્લા એક મહિનામાં આ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે.
કેન્દ્રએ એવી પણ ચેતવણી આપી હતી કે,આગામી દિવસોમાં તહેવારોની સિઝન છે, ત્યારે મોટા પ્રમાણમાં એકઠા થવાની સંભાવના છે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકોની મુસાફરી પણ વધશે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ યોગ્ય પગલાં લેવા જોઈએ અને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી ગાઈડલાઈનને ફોલો કરવી જોઈએ.
ટેસ્ટ, ટ્રીટ, ટ્રેક, મોનિટર, રસીકરણને ઝડપી બનાવવાની જરૂર છે. દિલ્હી, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા અને કર્ણાટકમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાતેય રાજ્યોને આરોગ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતો પત્ર લખીને ચેતવણી આપી હતી.