Site icon Revoi.in

રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગતા 9 બાળકો સહિત 25નાં મોત, ધૂમાડા 5 કિમી દુર સુધી દેખાયા

Social Share

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પરના સયાજી હોટલ પાસે આવેલા TRP ગેમઝોનમાં સમીસાંજે આગ ભભૂકી હતી. જેમાં 9 બાળકો સહિત 25ના મોત નિપજ્યા હતા. જ્યારે આગ લાગી ત્યારે ગેમ ઝોનમાં અનેક બાળકો અને તેમના માતા પિતા હાજર હતા. ગેમ ઝોનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી. આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. તો ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરતા ફાયરની ગાડીઓની ખડકલો થઈ ગયો હતો. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે.  પરિજનો આક્રંદ કરી રહ્યા છે, ત્યારે ભયાવહ દૃશ્યો જોવા મળ્યા હતા. લાક્ષાગૃહ બનેલા ગેમઝોનમાંથી મૃતદેહોને કોથળા ભરીને ફાયરની ટીમ બહાર કાઢી રહી હતી. આગની ભયાનક તેના ધૂમાડા ગોટેગોટા 5 કિમી દૂર દેખાયા હતા.

રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 25ના મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું છે. હજુ પણ ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  આગને પગલે ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવામાં જોતરાયું છે. આખું ગેમઝોન આગમાં બળીને ખાક થઇ ગયું છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટે ગોટા દેખાયા હતા. મહત્વનું છે કે ખાલી એક કલાકની અંદર જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું છે.

રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજકોટ જેવા શહેરમાં લાંબા સમયથી ધમધમતા આ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે. જયમીન ઠાકરે કહ્યું હતું કે, આ સંચાલકોને રાજકોટ મનપા અને ભાજપ સરકાર છોડશે નહીં. રાજકોટ મનપાની માત્રને માત્ર જવાબદારી ફાયર NOC આપવાની છે. આની મંજૂરી મનોરંજન વિભાગ આપતું હોય છે. એ પણ આ લોકો મનોરંજન વિભાગમાં ફાઈલ મૂકે પછી તે ફાઈલ મનપા પાસે આવે પછી મનપા મંજૂરી આપતી હોય છે. રાજકોટ મનપાની સીધી જવાબદારી નથી. રાજકોટ મનપાની એ જવાબદારી છે કે આવું કેમ બન્યું?, રાજકોટ માટે આ કલંકિત ઘટના છે.

મેયરએ કહ્યું કે, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને ઘટનાની જાણ કરી છે. જવાબદારો સામે કડકમાં કડક સજા કરવામાં આવશે. હું બહાર ગામ હતી. ત્યાંથી રાજકોટ પહોંચીને તરત જ અહીં આવી છું અને સિવિલ હોસ્પિટલમાં પણ મુલાકાત માટે જવાની છું, પરંતુ કહી શકાય કે 24 લોકોના મોત નીપજ્યા બાદ શું કડક કાર્યવાહી કરવામાં આવશે. તે મામલે પૂછવામાં આવતા મેયરે ત્યાંથી ચાલતી પકડી હતી.​​​​​​​​​​

રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં 25ના મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.