ગાંધીનગરઃ રાજ્યમાં દિનપ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. સાથે મકાનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. આથી સરકારી કર્મચારીઓ દ્વારા મકાન માટે સરકાર તરફથી મળતી પેશગીની રકમમાં વધારો કરવાની રજુઆત કરવામાં આવી હતી. આથી રાજ્યના સરકારી કર્મચારીઓને નવું મકાન ખરીદવા માટે રાજ્ય સરકાર તરફથી અપાતી પેશગીની રકમ 15 લાખથી વધારીને 25 લાખ કરાઈ છે. સાતમા પગારપંચને ધ્યાને લઇને પેશગીની રકમ વધારાઈ છે તેના પર વાર્ષિક 7.9 ટકાનો વ્યાજ લાગશે.
રાજ્ય સરકારના નાણા વિભાગે કરેલા ઠરાવ મુજબ કર્મચારીઓને નવા મકાન માટે જમીનની ખરીદી સહિત અથવા ફ્લેટ માટે 34 મૂળ માસિક પગાર અથવા મકાન કે ફ્લેટની અપેક્ષિત કિંમત અથવા 25 લાખ રૂપિયા એ ત્રણમાંથી જે રકમ ઓછી હોય તે મંજૂર કરાશે. નોકરી દરમિયાન અવસાન પામેલા કર્મચારીની મકાન બાંધકામ પેશગીની બાકી વસૂલાત માંડવાળ કરવા માટે વધારાના વ્યાજનો દર 0.25 ટકા કરાયો છે.
આ ઉપરાંત કર્મચારીઓના મકાનની મરામત કે વિસ્તરણ માટે અપાતી પેશગીની મર્યાદા 2 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. તેના પર પણ 7.9 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે. મકાન બાંધકામ પેશગી લીધી હોય અને તેની સંપૂર્ણ વસૂલાત થઇ ગઇ હોય તેવા કર્મચારીને પણ એક વખત રીપરીંગ માટેની પેશગી મળવાપાત્ર રહેશે. સરકારના આ નિર્ણયથી કર્મચારીઓમાં આનંદની લાગણી પ્રસરી છે. પહેલા મકાન ખરીદવા માટે સરકાર તરફથી રૂપિયા 15 લાખ પેશગી આપવામાં આવતી હતી આટલી રકમમાં નવા મકાનનું બાનું પણ આપી શકાતું નહતું, હવે પેશગીની રકમ વધારીને 25 લાખ કરાતા કર્મચારીઓને રાહત થશે. તેમજ જુના મકાનના મરામત માટે પણ ઓછા વ્યાજે સરકાર 10 લાખ આપશે. આ નિર્ણયથી કર્મચારીઓને રાહત મળશે. (file photo)