ધ્રાંગધ્રાઃ શહેરના રાજકમલ ચોકમાં આવેલી એક દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નિકળતા વિકરાળ બનેલી આગે આજુબાજુની 25 જેટલી દુકાનોને પણ લપેટમાં લીધી હતી. હાલ દિવાળી ટાણે વેપારીઓએ પુરતો માલ દુકાનો ભર્યો હોવાથી વેપારીઓને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આગે વિકરાળ રૂપ ધારણ કરતા ધ્રાંગધ્રા, હળવદ, સાણંદ, વિરમગામ સહિતની ફાયર ટીમો તેમજ આર્મીની ટીમો ઘટના સ્થળે દાડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, 11 કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રાજકમલ ચોક પાસે વ્યાસ સિલેક્શનમાં વહેલી સવારે અગમ્ય કારણસર આગ લાગતા આજુબાજુના કોમ્પલેક્સમાં અંદાજિત 25 દુકાનોમાં આગ ભભૂકી ઊઠી હતી. ફાયરની ટીમને જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ધ્રાંગધ્રા આર્મી તથા સુરેન્દ્રનગર, વઢવાણ, હળવદ સહિતની ફાયરોની ટીમોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રોટરી ક્લબ, જાગનાથ મહાદેવ ટીમ, દયાવાન ગ્રૂપ, પક્ષી બચાવો ગ્રૂપ, સ્વચ્છતા મિશન ગ્રૂપ સહિત અનેક સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ મદદ માટે દોડી ગયા હતા. વહેલી સવારે લાગેલી આગથી દુકાનો બળીને ખાક થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતા વહેલી સવારથી પાલિકા પ્રમુખ, પાલિકા તંત્ર, મામલતદાર સ્ટાફ સહિત સમગ્ર પ્રશાસન શહેર મધ્યે પહોંચી આગ કાબૂમાં લેવા પ્રયત્નશીલ જોવા મળ્યા હતા. 11 કલાક બાદ ફાયરની ટીમોએ 80 ટકાથી વધુ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા કાપડના શોરૂમમાં લાગેલી આગ નજીકની 25 દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. વેપારીઓ પોતાની દુકાનોમાં ભરેલો મુદ્દામાલ બચાવવાના પ્રયાસો કર્યા હતા. આ ભયાવહ આગની ઘટનાના પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. દરમિયાન ધ્રાંગધ્રાના પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ફાયરની ટીમને અને પોલીસને કોલ મળેલો હતો કે ધ્રાંગ્રધા શહેરમાં વેદાંત કોમ્પલેક્સમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયરની ટીમો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઉપરાંત આર્મીને પણ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઉપરાંત આજુબાજુના જિલ્લાની અને તાલુકાની નગરપાલિકાની ફાયરની ટીમો પણ પહોંચી હતી.