અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બાર્ડ સંચાલિત શાળાઓમાં છેલ્લા એક દશકામાં શિક્ષણમાં ઘણાબધો સુધારો થયો છે. હવે તો દરેક વોર્ડમાં સ્માર્ટ સ્કુલો બનાવવામાં આવી રહી છે. લોકોમાં પણ હવે મ્યુનિની શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધ્યો છે. વાલીઓ પોતાના સંતાનોને ખાનગી શાળામાંથી ઉઠાવી લઈને મ્યુનિની શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિ. શાળાઓમાં પણ બાળકોને સ્કાઉટ ગાઈડ સહિત ઘણીબધી પ્રવૃતિ કરાવવામાં આવી રહી છે. શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત સ્કૂલોના 25 જેટલા વિદ્યાર્થીઓ જુલાઇ-2022માં દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે. આ વિદ્યાર્થીઓ દક્ષિણ કોરિયામાં 150 દેશોના બાળકો સાથે વ્યક્તિત્વ વિકાસની વિવિધ પ્રવૃત્તિ કરશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરની દરેક સરકારી સ્કૂલોમાં સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિ ચાલે છે. મ્યુનિ. સ્કૂલોના બાળકો યુએસએ, જાપાન બાદ ત્રીજા દેશ દક્ષિણ કોરિયાની મુલાકાત લેશે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ માટે સ્કાઉટ ગાઇડની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે અંતર્ગત બાળકોને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે પ્રવૃત્તિમાં ભાગ લે છે. આ અંગે શાસનાધિકારી એલ.ડી દેસાઇએ જણાવ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 25 જેટલા બાળકોની દક્ષિણ કોરિયા માટે પસંદગી કરાશે. આ બાળકો 150 દેશોના બાળકો સાથે કલ્ચરની આપ લે કરશે. દક્ષિણ કોરિયામાં જનારા બાળકો ગુજરાતના કલ્ચરને રજૂ કરશે. દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, લોકોમાં માન્યતા હોય છે કે ખાનગી સ્કૂલોના બાળકો જ વિદેશ પ્રવાસ કરે છે. પરંતુ સરકારી સ્કૂલોના બાળકો પણ 150 દેશોના વિદ્યાર્થીઓ સાથે વિચારોનું આદાન- પ્રદાન કરશે. આ માટે નક્કી કરેલ પદ્ધતિ પ્રમાણે 25 વિદ્યાર્થીઓની પસંદગી કરાશે.