સીપુ પાઈપલાઈનનું કેનાલ સાથે જોડાણ કરી ડીસા- દાંતીવાડાના 25 ગામોને સિંચાઈનો લાભ અપાશે
પાલનપુરઃ બનાસકાંઠામાં ડીસા અને દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં સિંચાઈની પુરતી સુવિધા ન હોવાથી ખેડુતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સિંચાઈની સમસ્યા હલ કરવા માટે થરાદથી સીપુની પાઈપલાઈનમાં જોડાણ આપીને કેનાલમાં પાણી ઠાલવવામાં આવશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિતના આગેવાનોના હસ્તે આ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામ પૂર્ણ થતાં ડીસા અને દાંતિવાડાના 25 ગામોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે.
બનાસકાંઠામાં સીપુ જૂથ યોજના અંતર્ગત આવેલી કેનાલ મારફતે ડીસા અને દાંતીવાડાના 25 જેટલા ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે અને આ પાણી થકી અંદાજિત 16000 હેક્ટર જેટલા કમાન્ડ એરિયામાં વાવેતર છે, પરંતુ સીપુમાં પાણી ન હોય ત્યારે આ વિસ્તારના ખેડુતોને પાણી માટે વલખાં મારવાં પડે છે. જેથી સરકાર દ્વારા થરાદ નર્મદા કેનાલથી સીપુ ડેમમાં પાણી નાખવા માટે સાડા 15 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. ત્યારે સીપુ જૂથ યોજના અંતર્ગત આવતા કમાન્ડ એરિયાના 25 ગામોને સીધું પાણી મળી રહે તે માટે થરાદથી સીપુની પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી તેના થકી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી નર્મદા નહેરમાંથી રિઝર્વ કોટાનું પાણી આપવાની શરૂઆત સાથે જ આ વિસ્તારના ખેડૂતોને પણ પાણી મળી રહેશે અને ખેડૂતોને સિંચાઈ માટેની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી, તાલુકા ભાજપ પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા સહિતના આગેવાનોના હસ્તે આ પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ડીસા અને દાંતીવાડા સીપુ કેનાલના કમાન્ડ એરિયામાં આવતા ગામના લોકોને સિંચાઈ માટે ખૂબ જ તકલીફ પડતી હતી. તેના ઉકેલ માટે સરકારે શરૂ કરેલી થરાદથી સીપુ પાઇપલાઇનમાં વચ્ચે જોડાણ આપી પાણી સીધું જ કેનાલમાં નાખવામાં આવશે. જેથી ડીસા અને દાંતીવાડાના 25 ગામોને સિંચાઈ માટે અવિરત પાણી મળતું રહેશે. આ સિવાય સરકાર માઇક્રો ઇરીગેશન સિસ્ટમ અંગે પણ સર્વે કરી રહી છે, જેના થકી આવનાર સમયમાં ખેડૂતને તેની જરૂરિયાત મુજબનું પ્રેશરવાળું પાણી મળી રહે તે માટેનું પણ આયોજન કરાયું છે.