Site icon Revoi.in

સીપુ ડેમમાંથી રવિ સીઝન માટે પાણી છોડાતા ડીસા તાલુકાના 25 ગામને સિંચાઈનો લાભ મળશે

Social Share

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં ખરીફ પાકની સીઝન પુરી થતાં હાલ રવિ સીઝન માટે ખેડુતો વાવણીની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં ખેડુતોએ કેનાલમાં પાણી છોડવાની માગણી કરી હતી. ત્યારે સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું. આગામી ફેબ્રુઆરી મહિના સુધી આ પાણી છોડતા ખેડૂતોની 1000 હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈનો લાભ મળી રહેશે.

બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસને દિવસે ઊંડા જઈ રહ્યા છે જેથી ખેડૂતોને પણ સિંચાઈ માટે પીવાના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સીપુ ડેમમાં 2017 બાદ આ વર્ષે પાણી આવ્યું હતું. હાલ આ ડેમમાં 591 ફૂટ પાણી છે એટલે કે 30 ટકા જેટલું પાણી છે. ત્યારે ડીસા તાલુકાના ખેડૂતોની માંગણી અને ડીસાના ધારાસભ્યની રજૂઆતને પગલે  ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીને હસ્તે સીપુ ડેમમાંથી  100 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણીથી ડીસા તાલુકાના લગભગ 25 જેટલા ગામના ખેડૂતોને લાભ થશે અને 1,000 હેક્ટરથી પણ વધુ જમીનને સિંચાઈના પાણીનો લાભ મળશે.

બનાસકાંઠાના સરહદી તાલુકા એવા  વાવ, સુઇગામ, ભાભર તેમજ થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટરી માઇનોર, સબ માઇનોર કેનાલોમાં છેલ્લા કેટલાય સમયથી સાફ સફાઈ કરવામાં ન આવતા કેનાલોમાં વૃક્ષોની ડાળીઓ અને માટી સહિત અન્ય કચરો ભરાઈ ગયો હતો, નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે શિયાળુ સિઝન માથે હોવા છતાં કેનાલોની મરામત કે સાફ સફાઈ કરવામાં આવતી નહતી. ત્યારે રડકા ગામના 50 જેટલા ખેડૂતોએ ભેગા મળી ભટાસણા માઇનોર કેનાલમાં બે દિવસ સાફ સફાઈ કરી લગભગ બે કિલોમીટરથી વધુ કેનાલ સાફ કરી હતી.