Site icon Revoi.in

રાજકોટમાં છેલ્લા એક મહિનામાં દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 250 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ

Social Share

રાજકોટઃ શહેરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. આથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા એક મહિનાથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 1થી 28 ફેબ્રુઆરી  દરમિયાન દબાણ હટાવ ઝૂંબેશ દરમિયાન 35,185 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન પર થયેલા દબાણની કિંમત રૂ.2,51,30,95,000 થાય છે.

આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં મ્યુનિના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વોર્ડ નંબર- 1, 9 અને 11માં 16 ઝૂંપડા, કેબિન અને દુકાન હટાવી 97.82 કરોડની કિંમતની 13,468 ચોરસ મીટર જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી. છેલ્લા એક મહિનામાં એટલે કે, 1થી 28 ફેબ્રુઆરી- 2024 દરમિયાન 35,185 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન પર થયેલા દબાણની કિંમત રૂ.2,51,30,95,000 થાય છે. જોકે તે જમીન પરનું દબાણ હટાવી દેવામાં આવ્યુ છે. મ્યુનિ.દ્વારા  અલગ-અલગ અનામત હેતુના પ્લોટ પર થયેલા ગેરકાયદેસર દબાણ તથા અનઅધિકૃત બાંધકામ દૂર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વેસ્ટ ઝોનમાં વોર્ડ નંબર- 9 માં ટી.પી. સ્કીમ નં.4 (રૈયા), અંતિમ ખંડ નં. 769 (શોપિંગ સેન્ટર), સવન સરફેશ સામે, રૈયા રોડ, રૈયા ખાતે 3 ઝુંપડા અને 4 કેબીન હટાવી 37.89 કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી છે. તો આ જ વોર્ડમાં ટી.પી. સ્કીમ નં.9 (મોટામવા-મુંજકા), અંતિમ ખંડ નં.19/એ (શૈક્ષણિક હેતુ), ડેકોર આઈલેન્ડ સામે, કાલાવડ રોડ, મુંજકા ખાતે ગેરકાયદે 4 કેબિન તોડી પાડવામાં આવી હતી. 3,972 ચોરસ મીટરની રૂ. 21.85 કરોડની જમીન ખૂલ્લી કરાવાઈ હતી.

આ ઉપરાંત વેસ્ટ ઝોનના વોર્ડ નંબર- 1માં લાખના બંગલા વાળો રોડ, રામાપીર ચોકડી, રૈયા પર થયેલ વાણીજ્ય હેતુનું અનઅધિકૃત બાંધકામ હટાવાયું હતુ. જેમાં 3 પાકી દુકાન તોડી પાડવામાં આવી હતી. આ જ ઝોનમાં વોર્ડ નંબર- 11માં ટી.પી. સ્કીમ નં.26 (મવડી), અંતિમ ખંડ નં. 4/એ (સેલ ફોર કોમર્શિયલ), સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડી ખાતે 2 ઝૂંપડા હટાવી 4,760 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જેની બજાર કિંમત રૂ. 38.08 કરોડ થાય છે. કુલ રૂ.97.82 કરોડની 13,468 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. છેલ્લા 1 માસમાં 4 વખત મોટા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યા છે. જેમાં 2.51 અબજની કિંમતની જમીન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે.