ગોંડલઃ સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડ્સમાં હાલ ખરીફ પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ગોંડલના માર્કેટ યાર્ડમાં કપાસ,મગફળી સહિત તમામ પાકોની આવક તો મહિનાથી શરૂ થઈ છે. હવે ગોંડલ પંથકના વખણાતા રેશમપટ્ટી તરીકે જાણીતા લાલ મરચાની આવક પણ શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે 2500 ભારીની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની સૌ પ્રથમ લાલ ચટાક મરચાની આવકની નોંધાતા મુહૂર્તમાં ભાવ 5500 સુધી બોલાયા હતા.
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, જામનગર, જૂનાગઢ જિલ્લામાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ગોંડલ પંથક તીખા મરચાંને લઈને જાણીતું છે. અહીંનું મરચું તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે. આ વર્ષે મરચાની સીઝન સૌ પ્રથમ આવક કરવામાં આવી હતી. યાર્ડમાં સોમવારે અંદાજે 2500 ભારીની આવક થઈ હતી. હરાજીમાં મરચાના સરેરાશ 20 કિલો મરચાના ભાવ 1000 થી 4000 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા. જ્યારે મુહૂર્તમાં મરચાંની રેવાની 12 ભારીના ભાવ 5500 સુધી બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાના કહેવા મુજબ ગોંડલનું મરચું અન્ય દેશોમાં પણ વધુ એક્સપોર્ટ થતું હોય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌ પ્રથમ લાલ મરચાની આવક થઈ છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, 702, સિજેન્ટા, ઓજસ અને દેશી મરચાં સહિતની વિવિધ વેરાયટીના મરચાંનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. અને ખેડૂતો પોતાનો મરચાંનો પાક સુકવીને માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે છે. જેથી ખેડૂતોને મરચાના પાકનો વધુ સારો ભાવ મળે છે. ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ ગોંડલ યાર્ડમાં મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે.