રાજકોટઃ સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ્સમાં રવિસીઝનની ફસલની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના માર્કેટ યાર્ડમાં રાજકોટ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો ખેતપેદાશો વેચવા માટે આવી રહ્યા છે.
અગાઉ જીરૂ સહિતની જણસીઓની રેકોર્ડ આવક થયા બાદ બુધવારે યાર્ડમાં 12,500 ભારી એટલે 25,000 મણ લાલ મરચાની આવક થઈ હતી. યાર્ડ બહાર 500 કરતા વધુ વાહનોની લાઈનો જોવા મળી હતી. મરચાની હરરાજીમાં રૂ. 1600થી 4000 સુધીનાં ભાવ ઉપજતા ખેડુતોને રાહત થઈ હતી. જોકે, દેશી મરચાંની આવક પ્રમાણમાં ઓછી રહી હતી.
યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલ અને રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ મરચાની જોરદાર આવક થઈ રહી છે. મંગળવારે ગોડલ યાર્ડમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી જ્યારે બુધવારે રાજકોટ યાર્ડમાં નવા લાલ મરચાની 12,500 ભારી એટલે કે 25 હજાર મણની આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને વિવિધ જણસીના સારા ભાવ ઉપજતા હોવાના કારણે આસપાસના વિસ્તાર તથા અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે, જેમાં બુધવારે લાલ મરચું વેચવા ખેડૂતો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.યાર્ડમાં વાહનોને ક્રમવાર પ્રવેશ આપી, મરચાંની ઉતરાઈ કરાવવામાં આવી હતી. જેમાં રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, ડિરેકટર તેમજ સ્ટાફ પણ જોડાયો હતો. હાલ મરચાની સીઝન ધમધોકાર હોય તેમ આવક વધી રહી છે. બુધવારે પણ મરચા ભરેલા અંદાજીત 500 જેટલા વાહનોની લાઈન થતા સતાવાળાઓએ વ્યવસ્થા સંભાળી હતી.
યાર્ડના ચેરમેનના કહેવા મુજબ બુધવારે યાર્ડમાં 12500 ભારી મરચા ઠલવાયા હતા. નાના-મોટા 500 વાહનો ખડકાયા હતા લાલ મરચાની હરરાજીમાં 1600થી 4000 સુધીના ભાવ બોલાયા હતા. જોકે, આ અંગે વેપારીઓના કહેવા મુજબ દેશી મરચાની આવક ઓછી છે પરંતુ, અન્ય જાતના મરચાંની આવક ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે.