Site icon Revoi.in

ગાંધીનગરમાં એરપોર્ટ સર્કલ સુધીનો રસ્તો પહોળો કરવા 251 વૃક્ષો કપાશે

Social Share

ગાંધીનગરઃ એક સમય હતો જ્યારે પાટનગર ગાંધીનગર જઈએ તો રોડની બન્ને સાઈડ પર એટલા બધા વૃક્ષો હતા કે જાણે જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય એવો એહસાસ થતો હતો. હવે તો વિકાસના નામે ગાંધીનગર પણ ઉજ્જડ બનતું જાય છે. શહેરને હરિયાળું શહેર બનાવવા માટે વૃક્ષો વાવો, વરસાદ લાવોના નારા માત્ર વન વિભાગના કાગળો સુધી જ સીમિત હોવાનો ઘાટ ઘડાયો છે. ભૂતકાળમાં મેટ્રો તેમજ ઓવરબ્રિજનાં નિર્માણ માટે હજારો વૃક્ષોનું નિકંદન કાઢ્યા પછી હવે ચ-0થી એરપોર્ટ સર્કલ સુધીના રોડને પહોળો કરવા માટે 17 પ્રકારના 251 વૃક્ષોનો ભોગ લેવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે, જેની કામગીરી પણ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના પાટનગર ગાંધીનગર એક સમયે હરિયાળા નગર તરીકે વિખ્યાત હતું. પરંતુ વિકાસની આંધી શરૂ થતાં જ હજારો વૃક્ષોનો ભોગ લઈ સિમેન્ટ/કોંક્રીટના જંગલો ઊભા કરી દેવામાં આવ્યાં છે. દર વર્ષે ચોમાસાની ઋતુમાં વન વિભાગ દ્વારા વન મહોત્સવ યોજીને લાખો વૃક્ષો વાવવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે ઘણા ખરા છોડ નાશ પામે છે. ત્યારે હવે ગુજરાત સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ અંતર્ગત માર્ગના અપગ્રેડેશન માટે નડતર વૃક્ષો કાપવા માટે વન વિભાગે મંજુરી આપી દેતાં પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગરને સ્માર્ટ સીટીનો દરજ્જો અપાવવાની લ્હાયમાં નડતર રૂપ વૃક્ષોનો છેદન કરી નાખવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. હાલમાં પણ ઇન્દ્રોડા સર્કલથી એરપોર્ટ સર્કલ સુધી માર્ગને પહોળો કરવા અસંખ્ય વૃક્ષનું છેદન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનના માર્ગમાં આવતા 30થી 50 વર્ષ જૂના વૃક્ષો કાપવાનો તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે. વૃક્ષોના જતન કરવાની મોટી જાહેરાતો વન વિભાગ દ્વારા કરાઇ રહી છે, ત્યારે ગાંધીનગરમાં વૃક્ષોના છેદન માટે વન વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં પ્રકૃતિપ્રેમીઓમાં ભારે રોષ ઊભો થવા પામ્યો હતો.

શહેરના પર્યાવરણવાદીના કહેવા મુજબ ગાંધીનગર 2021માં બિનજંગલ વિસ્તારમાં સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યું હતું. પરંતુ વન વિભાગ વધુ વૃક્ષોના છેદન માટે મંજૂરી આપવાનું ચાલુ રાખશે તો આવનારા દિવસોમાં સમગ્ર રાજ્યમાં પ્રતિહેક્ટર વૃક્ષોની સંખ્યા પાછળ ઘકેલાઇ જાય તો નવાઈ નહીં. હાલમાં લીમડાના 90, ગરમાળાના 33 અને કણજીના 29 વૃક્ષો તેમજ બીજા 17 પ્રકારના વિવિધ વૃક્ષોનું છેદન વન વિભાગ કરી રહ્યું છે. 251 વૃક્ષોમાં અસંખ્ય જીવજંતુઓ તેમજ વિવિધ પક્ષીઓ પણ પોતાનું રહેઠાણ ધરાવે છે. જે વૃક્ષો કપાશે તેમાંથી 8 ઘન મીટરથી વધુ ઇમારતી લાકડા અને 103 કિલો જલાઉ લાકડા વન વિભાગ મેળવશે. પરંતુ તેનાથી ગાંધીનગરની હરિયાળી પણ છીનવાઈ જશે એટલું નક્કી છે. (file photo)