1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં AMTS અને BRTS બસો દ્વારા 259 અકસ્માતોમાં 13ના મોત થયાં
અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં AMTS  અને BRTS બસો દ્વારા 259 અકસ્માતોમાં 13ના મોત થયાં

અમદાવાદમાં છેલ્લા 4 મહિનામાં AMTS અને BRTS બસો દ્વારા 259 અકસ્માતોમાં 13ના મોત થયાં

0
Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. પૂરઝડપે અને બેફામરીતે ચલાવાતા વાહનોને લીધે થતાં અકસ્માતોને લીધે નિર્દોષ માનવ જીન્દગી મોતના મુખમાં ધકેલાતી હોય છે. અકસ્માતોમાં એએમટીએસ અને બીઆરટીએસ પણ પાછળ નથી. બન્ને સેવાઓ ખાનગી ઓપરેટરને હવાલે હોવાથી તેના ડ્રાઈવરો પૂરઝડપે બસ ચલાવતા હોય છે. એટલું જ નહીં બસના ચાલકો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલફોન પર વાત કરતા પણ જોવા મળતા હોય છે.  છેલ્લા 4 મહિનામાં એએમટીએસ  અને બીઆરટીએસ  બસ દ્વારા કુલ 259 જેટલા અકસ્માતો સર્જાયા હતા. જેમાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે. એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર ટ્રાફિક પોલીસ લોકો પાસે નિયમોનું પાલન કરાવવા કડક હાથે કાર્યવાહી કરી રહી છે, પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનની AMTS અને BRTS બસો દ્વારા જ અકસ્માતો થઈ રહ્યા છે. ત્યારે વિપક્ષે આક્ષેપ કર્યો છે કે, નેતાઓનાં પરિજનોની બસો કોન્ટ્રાક્ટ પર ચાલે છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરોની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર સામાન્ય દંડ જ કરવામાં આવે છે.

એએમસીના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે, ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ શહેરમાં નાગરિકો પાસે શહેર ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કડકાઈથી કાર્યવાહી કરી અને નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, ખુદ એએમસી અને બીઆરટીએસના કોન્ટ્રાક્ટરોના બસચાલકો દ્વારા અકસ્માતો સર્જવામાં આવી રહ્યા છે. છેલ્લા ચાર મહિનામાં એપ્રિલ 2023થી ઓગસ્ટ મહિના સુધીમાં એએમટીએસ  દ્વારા 102 જેટલા અકસ્માત સર્જાયા હતા. જેમાં 9 લોકોનાં મૃત્યુ થયાં હતા. જ્યારે BRTS દ્વારા 157 જેટલા અકસ્માત થયા હતા, જેમાં 4 લોકોનાં મૃત્યુ થયાં હતા. આમ માત્ર ચાર મહિનામાં જ કુલ 13 લોકો મોતને ભેટ્યા હતા.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે,  એએમટીએસ અને બીઆરટીએસમાં ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોની બસો ચાલે છે. આ વારંવાર અકસ્માતોને પગલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે, જે પણ વ્યક્તિનું મૃત્યુ એએમટીએસ અને બીઆરટીએસ  દ્વારા અકસ્માતમાં થાય તો તેના પરિવારને કોન્ટ્રાક્ટર દ્વારા વળતર ચૂકવવામાં આવે. તેમજ જે પણ કોન્ટ્રાક્ટરની બસ દ્વારા અકસ્માત થયો હોય તેની સામે બ્લેક લિસ્ટની કાર્યવાહી કરવી જોઈએ. છેલ્લા ચાર મહિનામાં એએમટીએસ  દ્વારા અકસ્માતમાં કુલ નવ લોકોનાં મૃત્યુ થયાં હતા.  તમામ અકસ્માતો પૂર્વ વિસ્તારમાં થયેલા છે. રોડ ઉપર રાહદારી, સાઇકલચાલક અથવા બાઈકચાલકને બસચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યા છે એક વ્યક્તિ જ્યારે બસમાંથી ઊતરતો હતો, ત્યારે બસ હંકારી દેતા પડી ગયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. બીઆરટીએસ બસ દ્વારા કરવામાં આવેલા અકસ્માતમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. જેમાં કેટલાક લોકો બીઆરટીએસ કોરિડોરમાં આવી જતા બસની અડફેટે આવતા મૃત્યુ થયાં હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એએમટીએસ દ્વારા અવારનવાર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એએમટીએસ સંપૂર્ણપણે ખાનગી કોન્ટ્રાક્ટરો ચલાવી રહ્યા છે. ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો ડ્રાઇવરો બેફામ સ્પીડમાં ચલાવતા હોય છે અને મનમાની પ્રમાણે સ્ટોપ કરતા હોય છે. આ મામલે નાગરિકો દ્વારા પણ અનેક ફરિયાદો કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના એએમટીએસના સત્તાધીશો દ્વારા આવા કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક પગલાં લેવામાં આવતાં નથી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code