Site icon Revoi.in

ગાંધીનગરના ગિફ્ટસિટી વિસ્તારમાં રોડ-રસ્તાઓને રિસરફેસ અને નવા બનાવવા 26 કરોડ ખર્ચાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરની ઓળખસમાં ગિફ્ટ સિટીમાં 26 કરોડના ખર્ચે નવા રોડ બનાવવાની સાથે હયાત રોડના રિસર્ફેસીંગની કામગીરી હાથ ધરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં નવા-નવા એકમોની એન્ટ્રી થવાની સાથે પરિવહનની સરળતા અને ઝડપ બન્ને જળવાઇ રહે તેના માટે ગિફ્ટ એસઇઝેડ લિમીટેડ દ્વારા સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં રોડ નેટવર્કને સમૃદ્ધ કરવા અને વિકસાવવા નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીના પ્રોજેક્ટને ગતિવાન બનાવવા દિલ્હીથી સીધી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે ગિફ્ટ સિટી ફરતેના એક્સટેન્શન ઝોનમાં રસ્તા અને તેના જોડાણમાં અનેકવિધ ફેરફાર માટે ગિફ્ટ બોર્ડ દ્વારા સરકારને રજુઆત કરવામાં આવતા  શહેરી વિકાસ વિભાગે ખાસ આયોજન કર્યું છે. જેમાં  અમદાવાદ ગાંધીનગર રોડને 60માંથી 80 મીટર પહોળો કરાશે. જ્યારે ગિફ્ટ સિટીને જોડતાં હયાત માર્ગનું નવું એલાઇન્મેન્ટ કરાશે અને અન્ય 3 માર્ગને સમાંતર 12 મીટરના સર્વિસ રોડ આપવામાં આવશે. તેમજ રસ્તાની બન્ને બાજુ વૃક્ષો વાવવામાં આવશે. ગિફ્ટસિટીની આજુબાજુ ગ્રીનરી ઊભી કરાશે. ગિફ્ટસિટીમાં અનેક વિદેશી અને એમએનસી તેમજ સ્થાનિક કંપનીઓ આવી રહી છે. ત્યારે આ વિસ્તારનો સર્વાંગી વિકાસ માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
​​​​​​​
આ ઉપરાંત ધોળાકુવા જંકશનથી લવારપુર જંકશન, આઇઆઇટી જંકશનથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી નેશનલ હાઇવે નંબર 148ને જોડતા કુલ 3 માર્ગોને સમાંતર 12 મીટરના સર્વિસ રોડ આપવાની માંગણી કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને આધુનિક હાઇ ડેન્સીટી ગ્લોબલ સેન્ટ્રલ બિઝનેશ ડિસ્ટ્રિક્ટ તરીકે વિકાસવવા માટે અહીં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાના હોવાથી ગિફ્ટ સિટી પ્રોજેક્ટને સાકાર કરવામાં રોડ નેટવર્કના અભાવથી અવરોધ કે વિલંબ ન થાય તે બાબતને મહત્વની ગણાવાઇ છે.