અમદાવાદઃ રાજ્યની 31 સરકારી પોલિટેકનિકમાંથી હાલમાં માત્ર 26માં કાયમી આચાર્યની જગ્યા ખાલી છે. એટલે કે 26 પોલિટેકનિક કોલેજોમાં ઈન્ચાર્જથી વહિવટ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી કોલેજોના આચાર્યની ખાલી જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં આવતી નથી. ભરતીના નિયમો રિવાઇઝ કરવાની પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે, જે પૂરી જ થતી ન હોવાથી નવી ભરતી અને પ્રમોશન અટકી પડ્યા છે. તાજેતરમાં પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા આ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન (NBA) દ્વારા દરેક ડિગ્રી-ડિપ્લોમા ઇજનેરી કોલેજોને માન્યતા મેળવી લેવા તાકીદ કરવામાં આવી છે. એનબીએની માન્યતા મેળવવા માટે જે તે કોલેજમાં તમામ સ્ટાફ ઉપલબ્ધ હોય તે જરૂરી છે. આશ્ચર્યની વાત એ કે રાજ્યની 31 પોલિટેકનિકમાંથી 26 પોલિટેકનિકમાં કાયમી પ્રિન્સિપાલ જ નથી. હાલમાં તમામ કોલેજો ઇન્ચાર્જ પ્રિન્સિપાલથી ચલાવવામાં આવી રહી છે. કાયમી પ્રિન્સિપાલ ન હોવાના કારણે વહીવટી અને શૈક્ષણિક કામગીરી ઠપ થઇ જાય તેવી સ્થિતિ છે. આ ઉપરાંત એનબીએમાં અરજી કરતાં પહેલાં જે તે કોલેજમાં કાયમી પ્રિન્સિપાલ હોય તે પણ જરૂરી છે. પ્રિન્સિપાલનની પોસ્ટ માટે રિક્રૂટમેન્ટ રૂલ્સ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ની ગાઇડલાઇન પ્રમાણે અપડેટ કરવા પડે તેમ છે. છેલ્લા દોઢથી બે વર્ષથી આ પ્રક્રિયા પૂર્ણ જ કરવામાં આવી નથી. જ્યારે પૂછપરછ કરવામાં આવે ત્યારે કામગીરી ચાલુ છે તેવા જવાબો આપવામાં આવે છે. જ્યાં સુધી આ રિક્રૂટમેન્ટ રૂલ્સ અપડેટ ન થાય ત્યાં સુધી નવી ભરતી થઇ શકે તેમ નથી. કાયમી પ્રિન્સિપાલ ન હોવાના કારણે કોઇપણ નિર્ણય થઇ શકતો નથી. દરેક કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાથી તેઓ અસરકારક નિર્ણય કરી શકતા નથી. હાલની સ્થિતિમાં માત્ર સુરત, અમદાવાદ આર.સી. ટેકનિકલ, રાજકોટ, ભાવસિંહજી કોલેજ ભાવનગર અને ખેડા એમ, પાંચ પોલિટેકનિક કોલેજોમાં જ કાયમી આચાર્ય ઉપલબ્ધ છે. કાયમી પ્રિન્સિપાલના અભાવે માત્ર શૈક્ષણિક નહીં વહીવટી કામગીરીમાં પણ ભારે અસર પહોંચી રહી છે. સરકારને આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યની 26 પોલિટેકનિકમાં કાયમી પ્રિન્સિપાલ નથી. પોલિટેકનિક કોલેજના અધ્યાપકો કહે છે કે, નવી ભરતી કરવામાં ન આવે તો પણ હાલમાં જે પ્રોફેસર કામગીરી કરે છે તે પૈકી કેટલાકને પ્રમોશન આપવામાં આવે તો તેઓ કાયમી પ્રિન્સિપાલ બની શકે તેમ છે. આ માટે માત્ર પ્રમોશનની કામગીરી કરવાની છે. આ માટે સરકારે વધારાનો કોઇ પગાર પણ ચૂકવવાનો નથી. એટલે કે હાલમાં જે પગાર છે તેમાં જ પ્રોફેસરોને પ્રમોશન મળતાં તેઓ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત થઇ શકે તેમ છે. આમછતાં છેલ્લા કેટલાય વર્ષોથી પ્રમોશનની કામગીરી પણ કરવામાં આવતી નથી. એકપણ રૂપિયાના વધારાના ભારણ વગર 26 પોલિટેકનિકમાં કાયમી પ્રિન્સિપલ મળી શકે તેમ છે છતાં કામગીરી કરવામાં આવતી નહોવાથી હાલમાં અધ્યાપકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.(file photo)