અમદાવાદઃ શહેરમાં છેલ્લા વર્ષોમાં વિસ્તાર સાથે વસતીમાં પણ ખાસ્સો વધારો થતાં નાગરિકોની પ્રાથમિક સુવિધા માટે પાણી નળ-ગટર રોડ-રસ્તા સહિત વિકતાસના અનેક કામો હાથ ધરાયા છે. શહેરના તમામ વિસ્તારોમાં તળાવ બનાવવામાં આવ્યા છે. તળાવ નજીક બગીચાઓથી લઈને એમ્યુજમેન્ટ પાર્ક પણ બવનાવવામાં આવ્યા છે. તાજેતરમાં છારોડી નજીક કરોડોના ખર્ચે તળાવ બનાવવામાં આવ્યું છે. જેનું તાજેતરમાં કેન્દ્રિય મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, હવે આ તળાવ પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે મ્યુનિ. દ્વારા 26 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના અસજી હાઈવે પર વૈશ્નોદેવી સુધીના વિસ્તારનો સારોએવો વિકાસ થયો છે. અને અમદાવાદ અને ગાંધીનગર ટ્વીન સિટી બની રહ્યું છે. ત્યારે નિરમા યુનિવર્સિટી પાસે તાજેતરમાં 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા છારોડી તળાવનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તળાવમાં મ્યુનિ. દ્વારા બોટિંગ શરૂ કરાયું છે. જો કે, આ તળાવના બ્યુટીફિકેશન પાછળ 5 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા પરંતુ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. જેનું કારણ એ છે કે, તળાવ બનાવ્યા પછી હવે અહીં એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવવાનો મ્યુનિ. દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયના અમલ માટે મ્યુનિ. એસ્ટેટ વિભાગે તળાવ સંકુલમાં આવેલા ઈન્દિરા આવાસના 26 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવવા માટે આવાસો તોડી પાડવામાં આવ્યા હોવાનું અધિકારીઓનું કહેવું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, છારોડી તળાવ વિસ્તારમાં 26 જેટલાં માકાનો પર બુલડોઝર ફરી જતાં અહીના રહિશોમાં નારાજગી ઊભી થઈ છે. દબાણો હટાવતા પહેલા અહીં રહેતા લોકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી કે, નહીં તે અંગે મ્યુનિ. અધિકારીઓનું કહેવું છે કે, કલેક્ટર દ્વારા આ પ્રક્રિયા કરવામાં આવી હતી. હવે અહીં પીપીપી મોડલથી એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે. સૌથી મોટો સવાલ એ છે કે, તળાવમાં પાણી નર્મદાનું છોડવામાં આવે છે ત્યારે જ તળાવમાં પાણી દેખાય છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગાર્ડન બનાવ્યા પછી તળાવમાં પાણી રહેશે કે કેમ તે અન્ય તળાવોની જેમ સૌથી મોટો સવાલ છે.