Site icon Revoi.in

અમદાવાદમાં થ્રી-મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત AMC દ્વારા 26 લાખ વૃક્ષોનું રોપણ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં ચારેબાજુ કોંક્રેટના જંગલ સમા ચારે બાજુ બિલ્ડિંગો બની જતા શહેરમાં લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે શહેરમાં ગ્રીન કવર ઘટતા ગરમીમાં પણ વધારો થઈ રહ્યો છે. એમ તો દર વર્ષે ચોમાસા દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન તેમજ વિવિધ સેવા ભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પણ ત્યારબાદ વાવેલા વૃક્ષોના રોપાઓની યોગ્ય માવજતના અભાવે રોપાઓ સુકાઈ જતા હોય છે. આ વર્ષે પણ મ્યુનિ. દ્વારા થ્રી મિલિયન ટ્રી અભિયાન શરૂ કરાશે. જેમાં મ્યુનિ, દ્વારા શહેરના રોડ-રસ્તાઓ, બગીચાઓ સહિત વિવિધ સ્થળોએ 26 લાખ વૃક્ષો વવાશે. જ્યારે ચાર લાખ વૃક્ષો શહેરની વિવિધ સોસાયટીઓ, અને સામાજિક સંસ્થાઓના સહયોગથી વવાશે.

એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે ચોમાસા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થ્રી મિલિયન ટ્રી અભિયાન હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત 100 દિવસમાં મ્યુનિ. દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ આવેલા AMCના અને ખાનગી પ્લોટ તેમજ જાહેર રોડ પર વૃક્ષો વાવવામાં આવશે. મ્યનિને 26 લાખ કરતાં વધારે વૃક્ષો વાવવા માટેની જગ્યા મળી ગઇ છે. બાકી રહેલા 4 લાખ વૃક્ષો માટે પણ વિવિધ સોસાયટીઓ-એનજીઓનો સંપર્ક કરીને પણ તંત્ર દ્વારા કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિના ગાર્ડન વિભાગના અધિકારીના કહેવા મુજબ આગામી ચોમાસાની શરૂઆત સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન થ્રી મિલિયન ટ્રી વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવામાં આવશે. મ્યુનિના વિવિધ વિભાગો દ્વારા શહેરમાં વિવિધ ઝોનમાં વૃક્ષારોપણ માટે કેટલાક પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. આગામી 15મી જુનથી શરૂ થનારા આ મહાઅભિયાન માટે તમામ વિભાગોમાં સંકલન કરીને આ અભિયાનને સફળ બનાવવાના દિશામાં આગળ વધવા માટે એક ચોક્કસ ગાઇડ લાઇન પણ તૈયાર કરવામાં આવી છે. 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાના લક્ષ્યાંક સામે આગામી દિવસોમાં 16.75 લાખ જેટલા નાના વૃક્ષના રોપા લગાવવામાં આવશે. જેમાં સૌથી વધુ નાના વૃક્ષો પૂર્વઝોનમાં 6.51 લાખ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં 2.5 લાખ, પશ્ચિમ અને ઉ.પશ્ચિમઝોનમાં 2 લાખ તથા દ.પશ્ચિમઝોનમાં એક  લાખ જેટલા નાના વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મોટા વૃક્ષોમાં 8થી 10 ફુટ મોટા વૃક્ષો વાવવામાં આવશે. જેમાં પણ ઉ.પશ્ચિમઝોનમાં 11હજાર જેટલા વૃક્ષો વવાશે. જ્યારે ફ્લાવરીંગ છોડમાં વિવિધ ઝોનમાં સરેરાશ 1.25 લાખ જેટલા છોડ વાવવાનો લક્ષ્યાંક છે. (File photo)