ધોરાજીમાં મોહરમના તાજિયા વીજ લાઈનને અડી જતાં 26 લોકોને લાગ્યો વીજળી કરંટ, બેનાં મોત
રાજકોટઃ જિલ્લાના ધોરાજી શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા મહોરમના તાજીયા જુલુસનું આયોજન કરાયું હતું ત્યારે શહેરના રસુલપરામાં તાજિયાના જુલૂસમાં તાજિયા વીજલાઈન સાથે અડી જતાં 26 લોકોને વીજકરંટ લાગ્યો હતો, જેમાં દાઝેલા 26 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યા હતા. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 24 લોકોમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ ઘટનાને પગલે હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના રસુલપરા વિસ્તારમાં મોહરમના તાજિયાને ઉપાડતી વખતે 26 લોકોને કરંટ લાગ્યો હતો. PGVCLની વીજલાઈનમાં તાજિયા અડી જતાં આ ઘટના બની હતી. 26 જેટલા લોકોને આ કરંટ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. બાદમાં તમામ દાઝેલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લીધે અફરાતફરીનો માહોલ છવાઇ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો.
જિલ્લા એસપી જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે શનિવારે ધોરાજીના રસુપરામાં તાજિયાનો માતમ ચાલતો હતો. તાજિયાને લઈને રસુલપરાથી બહાર નીકળતા હતા ત્યારે વીજલાઈન સાથે તાજિયા અડી જતાં 26 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. એમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં છે, બાકી ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમામની સ્થિતિ સ્થિર છે.
ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ધોરાજીની અંદર મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારમાં જે દુર્ઘટના ઘટી છે. એને લઈને હું અને રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે છીએ, જે બે વ્યક્તિનાં અવસાન થયાં છે તેના પરિવારને અને ઘાયલો પ્રત્યે વ્યક્તિગત માટે સહાનુભુતિ વ્યક્ત કરું છું. મોહરમના પવિત્ર તહેવારે આ બનાવ બન્યો છે અને જે આનંદનું વાતાવરણ હતું એ શોકમય બન્યું છે. દુખદ ઘટના બની છે એ બાબતે મેં રાજ્ય સરકારમાં અને જિલ્લા કલેક્ટર સાથે પણ વાત કરી છે. જે કઈ મળવાપાત્ર તમામ પ્રકારની સહાય રાજ્ય સરકાર તરફથી આ પરિવારને મળશે, એના માટે યોગ્ય કક્ષાએ હું રજૂઆત કરીશ.