- વડોદરાના ફતેગંજના ડોમિનોઝ પિત્ઝાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલી બાઈકોમાં આગ લાગી,
- તમામ 26 બાઈકો ઈલેક્ટ્રીક હતી,
- આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દાડી આવ્યો
વડોદરાઃ શહેરમાં આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં પિત્ઝાની ડિલિવરી કરતી 26 બાઈક આગમાં લપેટાઈ જતા તમામ બાઈક આગમાં ખાક થઈ ગઈ હતી. આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગમાં ભસ્મિભૂત થયેલી તમામ 26 બાઈક ઈલેક્ટ્રિક હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના ફતેગંજના સેફ્રોન ટાવરમાં આવેલા ડોમિનોઝ પિત્ઝાની બહાર ગ્રાઉન્ડ ફ્લોર પર ગત મોડી રાતે પીઝા માટેની ડિલિવરી બાઈક હરોળમાં પાર્ક કરવામાં આવી હતી. પીઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી 26 ઇલેક્ટ્રિક ડિલિવરી બાઈકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વિકરાળ આગમાં તમામ 26 બાઈકો ગણતરીની મિનિટોમાં ખાક થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
સ્થનિક લોકોના કહેવા મુજબ શહેરના ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પિઝાનું આઉટલેટ આવેલું છે. આઉટલેટની બહાર પાર્ક કરાયેલી 26 ડિલિવરી બાઈકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથેજ ઈલેક્ટ્રિક બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી 26 બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. વાડી ફાયર બ્રિગેડની ટીમે આગ કાબુમાં લે ત્યાં સુધીમાં 26 જેટલી બાઇક ખાક થઈ ચૂકી હતી. બનાવને પગલે વીજ કંપનીની ટીમ તેમજ પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને વિગતો મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરામાં પોલીસ સ્ટેશનની બહાર વાહનોમાં તેમજ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાના અગાઉ પણ એક ડઝન જેટલા બનાવો બની ચૂક્યા છે. ફતેગંજ વિસ્તારમાં બનેલો બનાવ કેવી રીતે બન્યો તેની વિગતો જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.