Site icon Revoi.in

અમદાવાદના કાળુપુર શાકમાર્કેટમાં ભીષણ આગમાં 26 દુકાનો અને નાના થડા બળીને ખાક

Social Share

અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાકમાર્કેટમાં મધરાત બાદ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં આવેલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં 10 જેટલી ગાડીઓ સાથે અધિકારી તેમજ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કુલ 26 જેટલી દુકાનો આગમાં બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે નાના-નાના થડા પણ આગની લપેટમાં આવી ગયા હતા. આગને કાબુમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અમદાવાદ મ્યુનિ, ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના  કાળુપુર શાકમાર્કેટમાં આવેલી દુકાનોમાં આગ લાગી હોવાનો મધરાત બાદ મેસેજ મળતા જ ફાયરબ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે દુકાનોમાં આગ લાગવાનું શરૂ થઈ ગયું હતું. આસપાસમાં આવેલી દુકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હતી. જેથી વધુ ગાડીઓને જાણ કરવામાં આવતા કુલ 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ચારે તરફથી પાણીનો મારો ચલાવવાનો શરૂ કરવામાં આવ્યો હતો અને છ જેટલી લાઈનો બનાવી હતી. એક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કાળુપુર શાકમાર્કેટમાં લાગેલી આગમાં શાકભાજીની દુકાનો અને ગોડાઉન મળી કુલ 26 જેટલી દુકાનોમાં આગ ફેલાઈ હતી. જેના કારણે દુકાનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. આ ઉપરાંત આસપાસમાં આવેલા શાકભાજીના થડા પણ આગની ઝપેટમાં આવતા બળીને ખાક થઈ ગયા હતા. પ્લાસ્ટિક અને લાકડાના વાંસ હોવાના કારણે આગ માર્કેટમાં વધુ ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતા આસપાસમાં રહેતા કેટલાક વેપારીઓ પણ તાત્કાલિક શાકમાર્કેટમાં પહોંચી ગયા હતા. આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જો કે, આગના કારણે શાકમાર્કેટમાં મોટું નુકસાન થયું છે.