અમદાવાદઃ એક જમાનામાં વીએસ હોસ્પિટલનું નામ હતું. માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ રાજ્યભરના દર્દીઓ વીએસમાં સારવાર લેવા માટે આવતા હતા. ત્યારબાદ મ્યુનિ.ના સત્તાધીશોએ SVPના વિકાસ માટે વીએસ હોસ્પિટલનો ભોગ લીધો. વીએસ હોસ્પિટલના કર્મચારીઓને પણ SVPમાં લઈ જવાતા અને કેટલોક ભાગ પણ તોડી પડાતા કાળક્રમે વીએસ હોસ્પિટલ ખંડેર બની ગઈ છે. હવે એએમસીના ભાજપના સત્તાધિશોને વીએસ હોસ્પિટલ યાદ આવી છે. વર્ષ 2024-25ના વર્ષનું બજેટ રૂપિયા 261 કરોડનું મુંજર કરવામાં આવ્યું છે. જેમાં 40 કરોડના ખર્ચે વીએસ હોસ્પિટલના મકાનને મરામત કરાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ (VS હોસ્પિટલ)નું વર્ષ 2024-25નું રૂ. 261 કરોડનું બજેટ મેયર પ્રતિભા જૈન દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ દ્વારા રજુ કરવામાં આવેલા રૂ. 211.96 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ભાજપ સત્તાધીશો દ્વારા રૂ. 49.99 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આલુ વર્ષના બજેટમાં નવી વીએસ હોસ્પિટલ બનાવવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી હયાત હોસ્પિટલને રૂપિયા 40 કરોડના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે.
મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે VS હોસ્પિટલના OPD બિલ્ડીંગનું રીપેરીંગ અને રીટ્રોફીટિંગ કરવા માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રૂ. 25 કરોડના ખર્ચે નવું CT સ્કેન મશીન ખરીદવામાં આવશે. અને નવું ઈકો મશીન ખરીદવા માટે રૂ. 50 લાખ અને નવું સોનોગ્રાફી મશીન ખરીદવા માટે રૂ. 20 લાખ ફાળવાયા છે. વીજળીના ખર્ચમાં બચત કરવા માટે VS હોસ્પિટલના ટ્રોમા સેન્ટર અને નર્સીંગ સ્કુલના બિલ્ડિંગના ધાબા પર સોલાર પેનલ લગાવવા માટે રૂ. 75 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
VS હોસ્પિટલના ચેરમેન અને મેયર પ્રતિભા જૈનના અધ્યક્ષ સ્થાને વ્યવસ્થાપક મંડળની યોજાયેલી બેઠકમાં શાસક પક્ષ દ્વારા રૂ. 49.99 કરોડના સુધારા કરવામાં આવ્યા છે. જેમાં VS હોસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિગૃહનું બિલ્ડિંગ અત્યંત જૂનું હોવાથી હયાત બિલ્ડિંગનું રીટ્રોફીટિંગ, બ્રિક ચણતર, સ્ટ્રેન્ધનિંગ, ફ્લોરિંગ, RCCનું લિફ્ટવેલ અને નવી લિફ્ટ ઈન્સ્ટોલેશન અને રંગરોગાન, વગેરે કામગીરી કરવામાં આવશે. વી એસ હોસ્પિટલના હયાત બિલ્ડીંગને રીનોવેશન કરવામાં આવશે તોડી અને નવી બનાવવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.