ગુજરાતમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડને લીધે 4 વર્ષમાં અકસ્માતોમાં 26553 લોકોના મોત થયાં
અમદાવાદઃ ગુજરાતમાં જે પ્રકારે ગમખ્વાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે તે સમાજ અને સરકાર બંને માટે ચિંતાનો વિષય છે. રાજ્યના ચાર મહાનગરોમાં એનસીઆરબીના આંકડા મુજબ ત્રણ વર્ષમાં 18,287 મૃત્યુ થયા છે. ગુજરાતમાં સૌથી વધુ અકસ્માતમાં મૃત્યુના કેસમાં સુરત મોખરે છે. સુરત શહેરમાં ત્રણ વર્ષમાં અકસ્માતમાં 6760 મૃત્યુ થયા છે. જ્યારે અમદાવાદમાં ત્રણ વર્ષમાં 5495, રાજકોટમાં 3934 અને વડોદરામાં 2098 મૃત્યુ થયા છે. ગુજરાતમાં રોડ સેફ્ટી એક્ટ 2018માં અમલ આવી ગયો છે, છતાં હાલમાં પણ તેનું સંપૂર્ણ પાલન કરવામાં આવતું નથી. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં ઓવરસ્પીડિંગ અને રોંગ સાઈડમાં વાહનો હંકારવાને લીધે થયેલા અકસ્માતોમાં 26553 લોકોના મોત નિપજ્યા હતા. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યુ હતું.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ ગત વર્ષ 2022માં ઓવર સ્પીડિંગના લીધે નેશનલ હાઇવે પર અકસ્માતમાં 1991 મૃત્યુ થયા હતા, .જ્યારે વર્ષ 2021માં ઓવર સ્પીડિંગમાં 1971 , વર્ષ 2020માં 1718 અને વર્ષ 2019માં 1824 મૃત્યુ થયા હતા. આ ઉપરાંત રોંગ સાઇડ ડ્રાઇવિંગના લીધે વર્ષ 2022માં અકસ્માતથી 62 મૃત્યુ થયા હતા. જ્યારે વર્ષ 2021માં 63, વર્ષ 2020માં 63 અને વર્ષ 2019માં 62 મૃત્યુ થયા હતા.
કોંગ્રેસે ગુજરાત સરકાર સમત્ર એવી માગણી કરી છે. કે, ગુજરાતને સ્પીડ મેનેમેન્ટ પ્લાનની તાતી જરૂરિયાત છે. ઈન્ટરસેપ્ટર વાહનો માત્ર નામ પૂરતા દેખાય છે તેનો પુરતો ઉપયોગ કરવો જોઈએ. સ્પીડ કેમેરા લગાડવા, સ્પીડ લિમિટને ફોલો કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સમાવેશ કરી ટીન એજર અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ મોનીટરીંગ કરવું જોઈએ. એસ જી હાઇવે અમદાવાદ જેવો કરૂણ અકસ્માત ફરી ન બને તે માટે સરકારે રોડ સેફ્ટી ને પ્રાધાન્ય આપવા ઉપર કામ કરવું જોઈએ. (FILE PHOTO)
મહાનગરમાં અકસ્માતમાં થયેલ મૃત્યુ આંક | વર્ષ 2019 | વર્ષ 2020 | વર્ષ 2021 | કુલ |
અમદાવાદ | 1836 | 1768 | 1891 | 5495 |
સુરત | 2353 | 2119 | 2288 | 6760 |
રાજકોટ | 1380 | 1262 | 1292 | 3934 |
વડોદરા | 794 | 597 | 707 | 2098 |
ગુજરાત રાજ્યમાં આવેલ નેશનલ હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં મૃત્યુ આંક | વર્ષ 2019 | વર્ષ 2020 | વર્ષ 2021 | વર્ષ 2022 |
ઓવર સ્પીડીંગ | 1824 | 1718 | 1971 | 1991 |
રોંગ સાઈડ ડ્રાઈવીંગ | 62 | 63 | 63 | 62 |
ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો આંક | વર્ષ 2019 | વર્ષ 2020 | વર્ષ 2021 | વર્ષ 2022 |
ઓવર સ્પીડીંગ | 6343 | 5806 | 7168 | 7236 |
રોંગ સાઈડ ડ્રાઈવીંગ | 225 | 208 | 203 | 231 |