અમદાવાદઃ ધોરણ 10 બાદ ડિપ્લોમા એન્જિનિરિંગમાં પ્રવેશ પ્રક્રિયા માટેના બે રાઉન્ડ પૂરા થયા છે. બે રાઉન્ડ પૂરા થયા બાદ 26624 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી લીધો છે. જ્યારે 33010 બેઠક હજુ ખાલી છે. અને હવે આગામી તા. 4થી ઓગસ્ટથી પ્રવેશનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. અગાઉ બાકી હોય તેવા અને ધોરણ 10ની પૂરક પરીક્ષામાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પણ રજિસ્ટ્રેશન કરી એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
રાજ્યમાં ધોરણ 10 પછીના ડિપ્લોમા એન્જિનિયરિંગના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાના બે રાઉન્ડ પૂરા થયા છે. જેમાં 59274 બેઠકમાંથી 26624 બેઠક ભરાઈ છે. જ્યારે હજુ 33010 બેઠક ખાલી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજની 22213માંથી 4942 બેઠક ખાલી છે. જ્યારે ખાનગી કોલેજની 37061 બેઠકમાંથી 28068 બેઠક ખાલી છે. અગાઉ રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તથા પૂરક પરીક્ષામાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ 4 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અન પ્રવેશ મેળવવો હોય તે વિદ્યાર્થીઓ ફરીથી રજિસ્ટ્રેશન કરાવશે તો અગાઉ મળેલ એડમિશન રદ ગણવામાં આવશે.વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા સંમતિ આપવાની રહેશે. 19 ઓગસ્ટે ત્રીજા રાઉન્ડનું મેરીટ જાહેર કરવામાં આવશે.
પ્રવેશ સમિતિના સૂત્રોના કહેવા મુજબ આ વખતે પણ દર વખતની જેમ પ્રવેશના અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં ધોરણ 10ની પુરક પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે. હજુ 33 હજારથી વધુ બેઠકો ખાલી છે. જો કે, મોટાભાગની બેઠકો ખાનગી કોલેજોની ખાલી છે.