Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં 27 કરોડ કોરોના ટેસ્ટ કરાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત, મેડિટકલ સ્ટાફની અછત સહિતની ફરિયાદો ઉઠી છે. દરમિયાન દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોને વેન્ટિલેટર્સ ફાળવ્યાં છે. ગુજરાતને 1600 જેટલા વેન્ટિલેટર્સ ફાળવવામાં આવ્યાં છે. બીજી તરફ દેશમાં કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. હાલ દેશમાં સરેરાશ 15 લાખ ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 26.88 કરોડ લોકોના ટેસ્ટ કરાયાં છે.

ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે પરીક્ષણ માટે 1 લેબોરેટરી ઉપલબ્ધ હતી ત્યાંથી વૃદ્ધિ થઇને આજે દેશમાં કુલ 2463 લેબોરેટરી છે જ્યાં સંયુક્ત રીતે દૈનિક પરીક્ષણોની ક્ષમતા 15 લાખ સુધી પહોંચી ગઇ છે. 24 કલાકમાં 14,95,397 પરીક્ષણો કરવામાં આવ્યા છે જેથી આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોનો આંકડો 26,88,06,123 સુધી પહોંચી ગયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડના ચેપની તીવ્રતા અનુસાર ત્રિ-સ્તરીય આરોગ્ય માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાં 2084 સમર્પિત કોવિડ હોસ્પિટલો, 4043 સમર્પિત કોવિડ આરોગ્ય કેન્દ્રો અને 12,673 કોવિડ સંભાળ કેન્દ્રો સામેલ છે. તેમની કુલ ક્ષમતા 18,52,265 બેડની છે જેમાંથી 4,68,974 બેડ સમર્પિત કોવિડ હોસ્પિટલોમાં છે. કેન્દ્ર દ્વારા ગયા વર્ષે 34,228 વેન્ટિલેટર્સ રાજ્યોને મંજૂર કરવામાં આવ્યા હતા 1121 વેન્ટિલેટર્સ મહારાષ્ટ્રને આપવામાં આવ્યા છે, તેમજ ઉત્તરપ્રદેશને 1700, ઝારખંડને 1500, ગુજરાતને 1600, મધ્યપ્રદેશને 152 અને છત્તીસગઢને 230 આપવામાં આવ્યા છે.