ઊનાઃ ગીર જંગલ સહિત સોરઠ વિસ્તાર અને ધારીના પૂર્વ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત બાદ પાણીના કૂદરતી સ્ત્રોત સુકાવા લાગતા જંગલના પ્રાણીઓ અને પશુ-પંખીઓને માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તે પહેલા વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના કૂંડ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં જસાધાર રેન્જ વિસ્તારમાં 60 જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે. સિંહોને પીવાના પાણી માટે 27 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. પાણીના પાઈન્ટ પર માત્ર સિંહો જ નહીં પણ અન્ય પશુ-પંખીઓ પણ તરસ છીપાવવા માટે આવી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઊના ગીર ગઢડા નજીક ગીર જંગલનો જસાધાર રેન્જ વિસ્તાર આવેલો છે. જ્યાંથી તુલસીશ્યામ તરફ જતાં રસ્તા પર તેમજ વિવિધ સ્થળોએ પાણીના 27 પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જસાધાર રેન્જના વન વિભાગ દ્વારા ઉનાળામાં સિંહોને પાણીની તકલીફ ન પડે તે માટે સતત ખડેપગે પાણીનાં પોઈન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ગીરના જશાધાર રેન્જનો વિસ્તાર અંદાજે 30 કિ. મી. આવતો હોય અને આ 30 કિ. મી.સુધીના એરિયામાં 60 થી 65 સિંહોનો વસવાટ છે અને 10 થી 18 ગ્રુપમાં આ 60 થી 65 સિંહો જસાધાર રેન્જ વિસ્તારમાં વિહરતા જોવા મળે છે. હાલ ઉનાળાના સમયમાં ગરમીમાં માનવીની જેમ સિંહ પણ ભારે ગરમી અને તાપ પાણી માટે તરસતા હોય છે. ત્યારે તેમનાં માટે વન વિભાગે વન્ય પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. જસાધાર રેંજના 27 પાણીના પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામ પાણીના પોઇન્ટ ઉપર નિયમિત વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. તમામ પોઇન્ટમાં પાણીનો જથ્થો છે. કે, નહીં તેની સતત દેખરેખ રાખવામાં આવે છે. આ પાણીનાં પોઈન્ટ પર બોરમાંથી પવનચકીની મદદથી તેમજ પાણીનાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે. આમ ઉનાળાની સિઝનમાં સિંહો માટે વનવિભાગ દ્વારા પોઈન્ટ પર કુંડામાં પાણી સતત ભરેલું રાખી વન્યજીવોની સંભાળ રાખે છે.