- AMCએ ટેન્ડર બહાર પાડ્યા વિના કોન્ટ્રાક્ટ આપી દીધો,
- ચોમાસા દરમિયાન શહેરમાં 50 ભૂવા પડ્યા હતા,
- 23 સ્થળો એવા છે કે જ્યાં વારંવાર ભૂવા પડે છે
અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઘણાબધા વિસ્તારોમાં રોડ પર ભૂવા પડ્યા હતા. જેમાં મોટા કહી શકાય એવા 50 સ્થળોએ રોડ પર ભૂવા પડ્યા હતા. જેમાં 23 સ્થળો તો એવા છે, કે જ્યાં ગત વર્ષે પણ ભૂવા પડ્યા હતા, આમ એક જ સ્થળે ભૂવા પડવાના પણ વારેવાર બનાવો બન્યા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રોડ પર પડેલા ભૂવાની મારામત માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. શહેરના વાસણા એપીએમસી પાસે 1600 એમએમ વ્યાસની ડ્રેનજ લાઈનમાં ભંગાણ થતાં મોટો ભૂવો પડ્યો હતો. જેના રિપેરિંગ પાછળ 26.87 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યા સિવાય જ તત્કાલ ભાવ મંગાવી એમ પેનલ થયેલા કોન્ટ્રાક્ટરને રિપેરિંગની કામગીરી સોંપી હતી.
શહેરના વાસણા વિસ્તારમાં એપીએમસી પાસે મોટો ભૂવો પડતા તેને રિપેરિંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. અને ભૂવાના રિપેરિંગની કામગીરી પૂરી થતાં કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકાવવા માટે વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીમાં દરખાસ્ત રજૂ થઈ છે. ચાલુ વર્ષે શહેરમાં નાના-મોટા મળી 50થી વધુ ભૂવા પડ્યા છે. શહેરમાં પડેલા ભૂવાને કારણે મ્યુનિ.ને કરોડોનો ખર્ચ થઇ રહ્યો છે.
શહેરના વાસણામાં એપીએમસી નજીક મેટ્રો સ્ટેશન પાસે 1600 એમએમ વ્યાસ ધરાવતી ડ્રેનેજ લાઇમાં મોટો ભૂવો પડ્યો હતો. જેને તત્કાલ રિપેર કરવો આવશ્યક હોવાથી ઈજનેર વિભાગે તત્કાલ ભાવના કોન્ટ્રાક્ટર પાસેથી ક્વોટેશનથી ભાવ મગાવ્યા હતા. અંદાજીત ભાવ કરતાં 11 ટકા ઓછા ભાવ બંને કોન્ટ્રાક્ટર દ્વારા જાહેર કરાયા હતા. જેને કારણે તેમની પાસેથી રૂ. 26.87 લાખમાં આ ભૂવો રિપેર કરવામાં આવ્યો છે.
શહેરમાં ગત વર્ષે કુલ 181 ભૂવા પડ્યા હતા જે પુરવા પાછળ મ્યુનિ.એ 10 કરોડ ખર્ચ્યા હતા. જેમાં રાણીપ બલોલનગર પાસે પડેલો ભૂવો પુરવા માટે સૌથી વધુ 50 લાખનો ખર્ચ થયો હતો. આ વર્ષે ચોમાસામાં જુદા જુદા વિસ્તારમાં નાના-મોટા મળી 44 ભૂવા પડ્યા છે. જેમાંથી 23 ભૂવા તો એવા વિસ્તારમાં પડ્યા છે જ્યાં ગત વર્ષે પણ ભૂવા પડ્યા હતા. (File photo)