ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે બે વર્ષમાં 277 શ્રમજીવીઓના મોત
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મૂડીરોકાણ વધ્યું છે અને ઔદ્યોગિક એકમો ધમધમવા લાગ્યાં છે. જો કે, કેટલાક એકમોના સંચાલકો શ્રમજીવીઓની સલામતીને અવગણતા હોવાનું પણ સામે આવ્યું છે. જેથની કેટલીક વાર ગંભીર અકસ્માત પણ સર્જાય છે. ગુજરાતમાં બે વર્ષના સમયગાળામાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી અને ગંભીર અકસ્માતમાં 277 જેટલા શ્રમજીવીઓના મોત થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભામાં ઔદ્યોગિક એકમોમાં દૂર્ઘટનામાં શ્રમજીવીઓના મોત અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં બેદરકારી કે અકસ્માતના કારણે 277 કામદારોના મોત થયાં છે. સૌથી વધુ મોત ભરૂચ જિલ્લામાં 95, અમદાવાદ જિલ્લામાં 61 અને વલસાડ જિલ્લામાં 38 મોતની ઘટનાઓ નોંધાઈ છે. આવા બનાવમાં સરકાર દ્વારા કોઈ વળતર ચુકવાયું નથી પરંતુ અકસ્માત મોતના કિસ્સામાં મૃત્યુ પામનાર કામદારના વારસોને ઈએસઆઈ એક્ટ હેઠળ વળતર અપાય છે. બેદરકાર એકમો સામે ફોજદારી કેસ કરવામા આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમોમાં બેદરકારીને કારણે થયેલા અકસ્માતોમાં માત્ર ભરુચ જિલ્લામાં જ 38 એકમો સામે 40 ફોજદારી કેસો દાખલ કરવામાં આવ્યાં છે. અમદાવાદ અને ગાંધીનગરમાં છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક એકમોમાં આગની 26 ઘટનાઓ બની હતી. જેમાં 15 લોકોના મોત નિપજ્યાં હતાં અને 12 કામદારો ઘાયલ થયાં હતાં. આગ લાગવાના કારણોમાં શોર્ટ સર્કિટ, હટ મેટલ લેટિંગ વગેરે હોવાનું સરકારનું કહેવું છે.