- એસ.ટી નિગમને 15,519 રૂટો, 42,075 ટ્રીપો દ્વારા દૈનિક 9 કરોડની આવક,
- અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશનમાં સૌથી વધુ STની અવર-જવર,
- પ્રવાસીઓની સુવિધા માટે 100 વોલ્વો બસ
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોની મુસાફરીને વધુ સુગમ બનાવવાં અનેક નવીન બસો કાર્યરત કરવામાં આવી છે, જેમાં છેલ્લા બે વર્ષમાં 400 મિની બસો, 300 લક્ઝરી કોચ બસો, 400 સ્લીપર કોચ બસો, 1682 એક્સપ્રેસ સર્વિસ બસો તેમજ ૫ ઈલેક્ટ્રીક ડબલ ડેકર મળી કુલ 2787 બસ સર્વિસો સંચાલનમાં મુકીને નાગરિકોની મુસાફરી વધુ સરળ બનાવવામાં આવી રહી છે, સાથોસાથ નાગરિકોની વધુ સુગમ મુસાફરી માટે નિગમ દ્વારા 100 જેટલી નવીન વોલ્વો બસ સર્વિસની તબક્કાવાર ફાળવણી કરવામાં આવી છે, આ ઉપરાંત રાજ્યમાં સૌથી વધુ મુસાફરોની અવર-જવર અમદાવાદમાં આવેલ ગીતા મંદિર બસ સ્ટેશનમાં નોંધાઈ છે જ્યાં દૈનિક એક લાખ કરતા વધુ મુસાફરો એસ.ટી મારફતે પોતાના ગંતવ્ય સ્થાને પહોચે છે, એમ રાજ્ય માર્ગ પરિવહન વિભાગની યાદીમાં જણાવાયું છે.
વધુમાં યાદીમાં જણાવાયું છે કે, હાલમાં એસ.ટી નિગમ દ્વારા જુદા-જુદા કુલ 15,519 રૂટો ઉપર 42,075 ટ્રીપો થકી બસ સર્વિસોનું સંચાલન કરવામાં આવે છે, તેમજ નિગમને મુસાફરો થકી સરેરાશ દૈનિક રૂ. 9 કરોડ જેટલી આવક થાય છે. મુસાફરોની સુવિધામાં વધારો થાય તે હેતુથી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 100થી વધુ અત્યાધુનિક બસ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, જેમાં મુસાફરોને પીવાના પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, શૌચાલયો, આરામ ગૃહો, પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પબ્લિક રીફ્રેશમેન્ટ માટે પૂરતા સ્ટોલ-કેન્ટીનની સાથે મુસાફરો માટે યોગ્ય બેઠક વ્યવસ્થા જેવી માળખાગત સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સમયની સાથે એસ.ટી નિગમે પણ મુસાફરોની સુવિધામાં અનેક બદલાવ કર્યા છે, જેમાં નિગમે BS-VI કક્ષાની બસ સર્વિસ સંચાલિત કરીને વાયુ પ્રદુષણનું પ્રમાણ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે, મુસાફરોને બસોમાં જીપીએસ સિસ્ટમ દ્વારા પોતાની બસનું ઓનલાઈન ટ્રેકિંગ કરવાની સુવિધા, ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા, જેવી અનેક ટેક્નોલોજી યુક્ત સુવિધા ગુજરાત એસ.ટીની એપ્લીકેશન દ્વારા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાજ્ય માર્ગ પરિવહન વિભાગ – પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા નાગરિકોની સુખાકારી યાત્રા માટે 50 મીની એ.સી ઈલેક્ટ્રીક બસ તેમજ પાંચ ડબલ ડેકર એ.સી ઈલેક્ટ્રીક બસો વિવિધ રૂટો પર સંચાલનમાં મુકવામાં આવી છે.
ગ્રામીણ વિસ્તારમાં રહેતા અનેક વિદ્યાર્થીઓ સ્કૂલ, કોલેજ ગામથી દુર હોવાથી તે શાળાએ જવામાં મુશ્કેલીઓ અનુભવતા હતા, ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ અર્થે શાળામાં જવા-આવવા માટે નિગમ દ્વારા રાહત દરથી પાસની યોજના એટલે કે મુસાફર પાસ યોજના લાંબા સમયથી અમલમાં મુકવામાં આવી છે, એમાં પણ ગ્રામીણ વિદ્યાર્થીનીઓ માટે 100% ફ્રી અને તમામ વિદ્યાર્થીઓ તેમજ શહેરી વિદ્યાર્થીનીઓને ભાડામાં 82.50 % રાહત એસ.ટી મારફતે પુરી પાડવામાં આવે છે. ઉપરાંત ધંધા-રોજગાર માટે દૈનિક અપડાઉન કરતા મુસાફરો માટે નિગમ દ્વારા 50% રાહત દરે મુસાફરી કરાવવામાં આવે છે.