Site icon Revoi.in

ચીનથી ભારતમાં આયાત કરવામાં આવતી વસ્તુઓમાં 28 ટકાનો વધારો

Social Share

ભારત આમ તો હવે કેટલીક વસ્તુઓ માટે આત્મનિર્ભર થવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટાભાગની વસ્તુઓને હવે ભારત પોતાના જ ધરમાં બનાવી રહ્યું છે ત્યારે હજુ પણ કેટલીક વસ્તુઓ એવી છે કે જે ભારત દ્વારા અન્ય દેશમાંથી આયાત કરવામાં આવે છે ખાસ કરીને ચીનમાંથી. ચીન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાધ વધીને 64.5 અબજ ડોલરે પહોંચી ગઇ છે.

વાણિજ્ય મંત્રાલયના આંકડા મુજબ વર્ષ 2021માં ભારતમાંથી ચીન ખાતે નિકાસ 34 ટકાના નોંધપાત્ર વધારા સાથે 22.9 અબજ ડોલરે પહોંચી ગઇ છે જે વર્ષ 2019માં માત્ર 17.1 અબજ ડોલર હતી એવુ વાણિજ્ય મંત્રાલયે જણાવ્યુ છે. તો ચીનમાંથી આયાત વર્ષ 2021માં 28 ટકા વધીને 87.5 અબજ ડોલર થઇ જે વર્ષ 2019માં 68.4 અબજ ડોલર હતી.

આમ ચીન સાથેના વેપારમાં ભારતની વેપાર ખાધ એટલે કે ટ્રેડ ડેફિસિટ જે વર્ષ 2019માં 51.2 અબજ ડોલર હતી તે વર્ષ 2021માં વધીને 64.5 અબજ ડોલરે પહોંચી ગઇ છે જે ગંભીર બાબત છે. આત્મનિર્ભર ભારત યોજનાની વાહવાહી અને બાયકોટ ચાઇનીઝ ગુડ્સની બુમાબુમ વચ્ચે વેપાર ખાધના આ આંકડાઓ કડવી વાસ્તવિકતા દર્શાવે છે કે દેશમાં ચાઇનીઝ ચીજવસ્તુઓની આયાત સતત વધી રહી છે.

જાણકારી અનુસાર અમેરિકા બાદ ચીન 110.4 અબજ ડોલરના વેપાર સાથે બીજા ક્રમે, 68.4 અબજ ડોલરના વેપાર સાથે યુએઇ ત્રીજા ક્રમે છે. ત્યારબાદ સાઉદી અરેબિયા (35.6 અબજ ડોલર), સ્વિટ્ઝર્લેન્ડ (30.8 અબજ ડોલર) અને હોંગકોંગ (29.5 અબજ ડોલર)નો નંબર આવે છે. વર્ષ 2021 વેપાર વૃદ્ધિના પેટર્નમાં ફેરફાર આવ્યો છે. કોરના મહામારી બાદ હોંગકોંગ અને સિંગાપોરને બાદ કરતા અન્ય તમામ ટોચના ટ્રેડ પાર્ટનરોની સાથે ભારતના માલસામાનના વેપારમાં વૃદ્ધિ જોવા મળી છે.