1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો ઉભા કરાયાં
ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો ઉભા કરાયાં

ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો ઉભા કરાયાં

0
Social Share

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યના આદિજાતિ સમાજના શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમના સબળ નેતૃત્વ હેઠળ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શાળાઓ શરૂ કરવામાં આવી અને આ શાળાઓમાં શિક્ષકોની ઘટ ન રહે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું. આજે ગુજરાતના આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ક્ષિતિજોનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના આદિજાતિ વિસ્તારના બાળકો અને યુવાનોને શાળા પ્રવેશોત્સવથી માંડીને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન સુધી વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ મળી રહ્યા છે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ-સ્માર્ટ ઈન્ટરેક્ટિવ બોર્ડ યોજના હેઠળ ગુજરાતના આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો બનાવવામાં આવ્યા છે.

રાજ્યના તમામ વર્ગના બાળકો સુધી પ્રાથમિક શિક્ષણના લાભો વિસ્તરે તેવા ઉમદા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી, અને આજે ગુજરાતના છેવાડાના આદિજાતિ વિસ્તારોના બાળકો પણ શાળા પ્રવેશોત્સવ થકી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં 26 થી 28 જૂન 2024 દરમિયાન 21મો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત થયો હતો, જેનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આદિજાતિ જિલ્લા ડાંગથી કરાવ્યો હતો. 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન આદિજાતિ વિસ્તારના અનેક બાળકોએ બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશ મેળવીને શિક્ષણની દુનિયામાં પગરણ માંડ્યા છે.

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણના વધતા વ્યાપ અંગે વાત કરતા આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, “માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હંમેશાં આદિવાસી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂક્યો છે, અને આદિજાતિના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટેના પ્રયાસો કર્યા છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ આદિજાતિના વિદ્યાર્થીઓને મળતા થયા છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં 28 હજારથી વધુ સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવ્યા છે. 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારના પ્રયાસોને પરિણામે આદિજાતિ સમાજમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે, અને આજે આદિવાસી બાળકો-યુવાનો ભણી-ગણીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.”

રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કાર્યરત

ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 8035 પ્રાથમિક શાળાઓ, 1064 માધ્યમિક શાળાઓ અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે. આ ઉપરાંત, 661 આશ્રમ શાળાઓ, 75 આદર્શ નિવાસી શાળાઓ અને 71 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ આદિજાતિ વિસ્તારોમાં કાર્યરત છે. આ સાથે જ, આદિજાતિ વિસ્તારોમાં 11 સાયન્સ, 11 કોર્મસ અને 23 આર્ટ્સની મળીને કુલ 45 કોલેજો, 175 સરકારી છાત્રાલયો અને 920 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોની પણ સ્થાપના કરવામાં આવી છે.

પ્રાથમિક શાળામાં ધો-1 થી 8માં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને શાળાનો ગણવેશ લેવા માટે ગણવેશ સહાય યોજના હેઠળ ₹900ની આર્થિક સહાય આપવામાં આવે છે. દર વર્ષે લગભગ 13 લાખ જેટલા વિદ્યાર્થીઓને શાળા ગણવેશ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે. આ ઉપરાંત, આદિજાતિ વિસ્તારની કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ સહાય આપવામાં આવે છે. દર વર્ષે લગભગ 35 હજારથી વધુ વિદ્યાર્થિનીઓને આ યોજના હેઠળ સાયકલ સહાય આપવામાં આવે છે.

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) હેઠળ આદિજાતિ વિસ્તારોમાં 102 શાળાઓ કાર્યરત

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) એ ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ સ્થાપિત કરવામાં આવેલી એક સ્વાયત્ત સોસાયટી છે, જેનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી અને તેજસ્વી આદિજાતિ વિદ્યાર્થીઓ માટે સારી ગુણવત્તાવાળી શાળાઓની સ્થાપના કરવાનો તેમજ આ શાળાઓનું સંચાલન અને જાળવણી કરવાનો છે. આ સોસાયટી હેઠળ વિવિધ શાળાઓ દ્વારા દરેક પાત્ર આદિવાસી બાળક માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચ અને ઉચ્ચ શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે.

આ સોસાયટી હેઠળ અત્યારે ચાર પ્રકારની શાળાઓ ચલાવવામાં આવે છે, જેમાં 44 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS), 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS), 12 મોડલ સ્કૂલ અને 2 સૈનિક સ્કૂલોનો સમાવેશ થાય છે. આમ, GSTES કુલ 101 શાળાઓનું સંચાલન કરે છે અને લગભગ 35,000 જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.

આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની તકો

રાજ્યના આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણની તક મળી રહે તે માટે વલસાડ અને દાહોદ જિલ્લામાં મેડિકલ કોલેજો કાર્યરત છે, અને પ્રત્યેક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 200-200 મેડિકલ સીટ્સ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાંચ જિલ્લાઓને નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે, જેમાં નવસારી, નર્મદા અને પંચમહાલ જેવા આદિજાતિ જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આ પ્રત્યેક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 100 સીટ્સ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, પંચમહાલ જિલ્લામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના પણ કરવામાં આવી છે. ઉચ્ચ શહેરી શિક્ષણ કેન્દ્રોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, રાજકોટ, વડોદરા, હિંમતનગર, જામનગર, પાટણ અને સુરતમાં 20 અત્યાધુનિક સમરસ છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં 30% બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે.

આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. વર્ષ 2023-24માં રાજ્યના આદિજાતિના 12,84,404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹136.93 કરોડની, જ્યારે 2,49,518 આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ ₹718.44 કરોડની શિષ્યવૃત્તિ સહાય ચૂકવવામાં આવી છે.

આ ઉપરાંત, વિદેશ ભણવા જવા માંગતા આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકાર દ્વારા લોન સુવિધા પણ આપવામાં આવે છે. વર્ષ 2023-24માં અનુસૂચિત જનજાતિના 48 વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ₹641.50 લાખની લોન ચૂકવવામાં આવી છે.

આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે અને પોતાની પ્રગતિ સાથે રાજ્ય અને દેશની પ્રગતિમાં પણ યોગદાન આપે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code