Site icon Revoi.in

ગાંધીનગરમાં નળ-ગટરના જોડાણો કાપવાની ચીમકી આપી 282 જર્જરિત આવાસો ખાલી કરાવાયા,

Social Share

ગાંધીનગરઃ શહેરમાં વર્ષો પહેલા બંધાયેલી સરકારી ક્વાટર્સ જર્જરિત બની ગયા છે. પાટનગર યોજના વિભાગ દ્વારા સર્વે કરાવીને જર્જરિત બનેલા ક્વાટર્સમાં રહેતા કર્મચારીઓને ખાલી કરવા માટે અવાર-નવાર નોટિસો આપવામાં આવી હોલા છતાંયે કેટલાક કર્મચારીઓ ક્વાટર્સ ખાલી કરતા નથી. ત્યારે તંત્રએ સરકારી ક્વાટર્સમાં પાણી અને વીજળીના જોડાણો કાપવાની ચીમકી આપતા 282 આવાસો ખાલી થતાં તંત્રએ રાહત અનુભવી છે.

પાટનગર યોજના વિભાગ દ્વારા 40થી 50 વર્ષ અગાઉ બનાવવામાં આવેલાં સરકારી આવાસો ભયજનક કેટેગરીમાં મૂકવામાં આવેલાં છે. દુર્ધટનાને ધ્યાને લઈને પાટનગર યોજના વિભાગ દ્વારા છેલ્લાં 2 વર્ષથી રહેવાસીઓને નોટીસ ફટકારવામાં આવતી હોવા છતાં આવાસ ખાલી કરાતાં નહોતા. ત્યારે જીએમસીએ આ કિસ્સામાં આગળ આવીને કાર્યવાહી કરી હતી. જીએમસીએ નિયત કરેલી સમયમર્યાદામાં આવાસ ખાલી ન કરાય તેવા કિસ્સામાં પાણી, વીજળી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની ચીમકી આપી હતી. તંત્રના કડક વલણને પગલે ગાંધીનગરની સંસ્થાઓ અને સરકારી કચેરીઓને ફાળવેલા આવાસો પૈકી 121 અને કર્મચારીઓને ફાળવેલ 160 મળીને કુલ 281 આવાસો ખાલી કરી દેવાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સરકારી ભયજનક આવાસો ખાલી કરાવવાની સત્તા GPMC એક્ટ 1949ની કલમ 64 હેઠળ મ્યુનિસિપલ કમિશનરને મળેલી છે. જેના અનુસંધાને કમિશનરે બેઠક બોલાવીને તમામ સરકારી ભયજનક આવાસોને ખાલી કરાવવા નોટિસ આપી હતી. ભયજનક આવાસો ખાલી ન કરવાના કિસ્સામાં અન્ય કોઈ દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે કચેરી કે સંસ્થાની બાંધવામાં આવી છે. કચેરી કે સંસ્થાને પાઠવેલી નોટીસમાં દર્શાવ્યા મુજબ નિયત સમયગાળામાં આવાસોનો કબજો સોંપવામાં નહિ આવે તો આવાસો મ્યુનિ.કોર્પોરેશન દ્ધારા ખાલી કરાવીને માર્ગ અને મકાન વિભાગને સોંપાશે.