Site icon Revoi.in

અમદાવાદમાં સાબરમતી નદીને પ્રદુષિત કરનારા સ્ટ્રોમ વોટર લાઈનના ગેરકાયદે 286 જોડાણો મળી આવ્યા

Social Share

અમદાવાદઃ શહેરની સાબરમતી નદીને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ડ્રેનેજના ઠલવાવા ગંદા પાણીને બંધ કરાયા બાદ હજુ પણ ગંદુ પાણી ઠલવાતું હોવાની ફરિયોદે ઉઠતા ગુજરાત હાઈકોર્ટે પણ તેની નોંધ લઈને કડક પગલાં ભરવાના નિર્દેશો આપ્યા હતા. દરમિયાન મ્યુનિ.ની ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનોમાં ગેરકાયદે જોડાણો કરી કેમિકલયુક્ત પાણી છોડીને સાબરમતી નદીને પ્રદૂષિત કરતાં એકમોનાં જોડાણો કાપવાની ઝુંબેશનાં ભાગરૂપે મ્યુનિ. ઇજનેર ખાતાએ વધુ 286 એકમોનાં ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા.

એએમસીના સૂત્રોએ જણાવ્યા મુજબ, શહેરના બહેરામપુરા અને દાણીલીમડા ઉપરાંત આસપાસનાં વિસ્તારોમાં આવેલાં ઔદ્યોગિક એકમો પૈકી કેટલાયનાં ગેરકાયદે ગટર જોડાણો મ્યુનિ.ની સ્ટોર્મ વોટર લાઇનમાં કરી દેવાયા હતા. સ્ટોર્મ વોટર લાઇન સીધે સીધી સાબરમતી નદીમાં ખુલતી હોવાથી ઇન્ડસ્ટ્રીનાં કેમિકલયુકત પાણી પણ બારોબાર નદીમાં વહેતાં થતાં હતા. ચોંકાવનારી બાબત એ હતી કે, નદીમાં ખુલતી સ્ટોર્મ વોટર લાઇન ઉપર મ્યુનિ.એ વાલ્વ લગાવ્યો હતો તેની સાથે ચેડા કરી વાલ્વ પૂરેપૂરો બંધ થાય નહિ તેવા ખેલ પણ કોઇકે કર્યા હતા. સાબરમતી નદીમાં ખુલતી સ્ટોર્મ વોટર લાઇનમાં ગેરકાયદે જોડાણો કરી બેરોકટોક કેમિકલયુક્ત પાણી છોડવાનાં કૌભાંડને કેટલાક અધિકારીઓ છાવરી રહ્યાં છે, તેમજ બહેરામપુરા-દાણીલીમડા વોર્ડનાં ઇજનેર કર્મચારીઓ પણ યથાશક્તિ કટકી કરીને ગેરકાયદે જોડાણો સામે આંખ આડા કાન કરતાં હોવાનાં આક્ષેપો થઇ રહ્યાં છે,

સૂત્રોએ ઉમેર્યું હતું કે, મ્યુનિ.કોર્પોરેશનના  ઇજનેર ખાતાએ શરૂ કરેલી ગટર જોડાણો કાપવાની ઝુંબેશ દરમિયાન ઇજનેર અધિકારીઓને ગટર જોડાણો નહિ કાપવા માટે અનેક લોકોએ ભલામણો કરી હોવાનું જાણવા મળ્યું છે. મ્યુનિ. ડ્રેનેજ પ્રોજેક્ટ અને દક્ષિણ ઝોન ઇજનેર ખાતાએ 251  ગટર જોડાણો કાપ્યા હતા. બહેરામપુરા-દાણીલીમડા વિસ્તારમાં એસઆરપીના બંદોબસ્ત સાથે 286 ઓદ્યોગિક એકમોમાંથી ગેરકાયદે જોડાણો કાપી નાખ્યા હતા.