દેશના 29 ટકા વિસ્તારમાં ભૂકંપનું સૌથી વધારે જોખમ, ઝોન-5ના વિસ્તારમાં સૌથી વધારે ખતરો
નવી દિલ્હીઃ તૂર્કી અને સિરીયામાં તાજેતરમાં આવેલા ભૂકંપમાં ભારે તબાહી સર્જાઈ હતી. તેમજ પાકિસ્તાન અને પાકિસ્તાનમાં મોડી રાતના ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભારતના કેટલાક વિસ્તારમાં પણ ધરા ધ્રુજી ઉઠી હોવાનું જાણવા મળે છે. ભારતમાં ભારતીય માનક બ્યુરોએ પાંચ અલગ-અલગ ઝોન પાડવામાં આવ્યાં છે. જેની ભૂકંપને કારણે 29 ટકા વિસ્તારમાં સૌથી વધારે જોખમ છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ દેશને પાંચ અલગ-અલગ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે. પાંચમા ઝોનમાં આવતા વિસ્તારોને સૌથી ખતરનાક અને સક્રિય ગણવામાં આવે છે. આ ઝોનમાં આવતા રાજ્યોમાં વધુ તબાહીની શક્યતા છે. તેવી જ રીતે, પાંચથી પ્રથમ ઝોન તરફ આગળ વધતા જોખમ ઘટતું જાય છે. દેશની કુલ જમીનનો 11% સૌથી ખતરનાક એટલે કે પાંચમા ઝોનમાં આવે છે. બીજી તરફ 18% જમીન ચોથા ઝોનમાં આવે છે. 30% જમીન ત્રીજા અને બીજા ઝોનમાં આવે છે. સૌથી મોટો ખતરો ચોથા અને પાંચમા ઝોનના રાજ્યો પર છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, 0 થી 1.9 ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે. જ્યારે 2 થી 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે હળવા આંચકા આવે છે. જ્યારે 3 થી 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ મોટું વાહન ત્યાંથી પસાર થયું હોય. 4 થી 4.9 ની તીવ્રતાનો ધરતીકંપ ઘરની બારીઓ તૂટી શકે છે અને દિવાલો પર લટકતી ઘડિયાળ અથવા ફ્રેમ પડી શકે છે. 5 થી 5.9ની તીવ્રતાના ભૂકંપના આંચકા ઘરમાં રાખેલા ફર્નિચરને હલાવી શકે છે. 6 થી 6.9ની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક સાબિત થઈ શકે છે. જેના કારણે ઈમારતોના પાયામાં તિરાડ પડી શકે છે અને ઉપરના માળને નુકસાન થઈ શકે છે. જ્યારે 7 થી 7.9 ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે ઇમારતો તૂટી શકે છે અને ભૂગર્ભ પાઇપલાઇન્સ ફાટી શકે છે. 8 થી 8.9ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતોની સાથે મોટા પુલ પણ ધરાશાયી થઈ શકે છે. તે જ સમયે, જ્યારે 9 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે ઘણો વિનાશ થાય છે. સમુદ્ર નજીક હોય તો સુનામી પણ આવી શકે છે.