Site icon Revoi.in

ભાવનગરમાં માલેશ્રી નદીમાં બસ ફસાતા 29 યાત્રાળુઓનું રેસ્ક્યુ કરાયુ

Social Share

ભાવનગરઃ શહેર નજીકના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન કરી પરત ફરતી તામિલનાડુના યાત્રિકોની એક ખાનગી બસ કોળિયાક નજીક એક કોઝવે ઉપરથી પસાર થતા પૂરના પાણીમાં ફસાઈ હતી. ભારે વરસાદના કારણે નદીમાં પુર આવતા અને કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવા છતાં બસ ચાલકે બસ પસાર કરવાનો પ્રયાસ કરતા બસ થોડું અંતર કાપ્યા બાદ બંધ પડી પાણીના વહેણમાં તણાઈ જતા અડધી નીચે ઉતરી જતા શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. જેને તંત્ર દ્વારા 8 કલાકની મહેનત બાદ સહીસલામત રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા.

તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવેલી યાત્રિકોની બસ ભાવનગરના કોળિયાક નજીક માલેશ્રી નદીના કોઝવેમાં ફસાતા એનડીઆરએફ સહિત અધિકારીઓ દોડી ગયા હતા. બુધવારે રાત્રે ઘોઘામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓને બસ ડ્રાઇવરની બેદરકારીના કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઇ હતી. જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદમાં ટ્રક પણ ફસાઈ. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબૂ બની હતી. પણ તંત્રએ મહામહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરી તમામ 29 યાત્રાળુને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

માલેશ્રી નદીના કોઝવે પર પાણીમાં બસ ફસાતા કોળિયાક ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતા જ ઘોઘા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ પરિસ્થિતિ બેકાબૂ થતા ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયરબ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો. ગત રાત્રે 10:30થી 11 વાગ્યાની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં  ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી. દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ બનતા આખરે ભાવનગર કલેકટરે NDRFની ટીમને જાણ કરી હતી. NDRFની ટીમ અમરેલીથી 12:30થી 1 વાગ્યાની આસપાસ કોળિયાક પહોંચી હતી. બાદમાં તેમણે આવીને રેસ્ક્યુ કામગીરી હાથમાં લીધી હતી. પણ પાણીના ધસમસતા વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં વરસાદ બંધ થતાં આખરે 2થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચા ઉતરતા રાહત થઈ હતી. બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા. આમ NDRFની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડેપગે હતા. હાલ તમામ મુસાફરો માટે કળિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા તંત્રએ કરી હતી.