રાજકોટઃ શહેરમાં સામાન્ય નાગરિકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. કોમર્શિયલ પ્રોપર્ટીને સીલ મારીને કે નળ-ગટરના ક્નેક્શનો કાપીને બાકી ટેક્સની ઉઘરાણી કરવામાં આવતી હોય છે. પરંતુ સરકારી મિલ્કતોનો કરોડો રૂપિયાનો વેરો બાકી હોવા છતાયે કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરની જિલ્લા કલેકટર કચેરીનો 3.22 કરોડનો વેરો બાકી બોલે છે. જેકે કલેકટરે સરકાર પાસેથી ગ્રાન્ટ માગીને વેરો ભરી દેવાની ખાતરી આપી હતી.
રાજકોટ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સરકારી ઈમારતોના બાકી કરવેરાની યાદી તૈયાર કરી છે. જેમાં કલેક્ટર કચેરીનો મિલકત અને પાણી વેરાના કરોડો રૂપિયા બાકી બોલે છે. જો કે બાકી કરવેરો ભરવા સંદર્ભે સરકાર પાસે ખાસ ગ્રાન્ટ માંગી અને વેરો ભરી દેવા કલેકટર પ્રભવ જોશીએ નિર્ણય લીધો છે. આરએમસી કલેકટર તંત્ર પાસે મિલ્કત વેરાના 2 કરોડ 5 લાખ તો પાણીના 1 કરોડ 17 લાખ માંગે છે. કલેકટર તંત્રે છેલ્લે 2018-19માં આરએમસીને 23 લાખ 96 હજારથી વધુ રકમ ભરી હતી. ત્યારબાદ કોઇ રકમ ભરાઇ નથી. આ દરમિયાન કલેકટરે જણાવ્યું હતું કે, ઇવીએમ વેર હાઉસ જે માધાપર ચોકડી પાસે આવેલું છે તેનો 1 લાખ 92 હજારનો વેરો ભરી દેવાયો છે.
જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી કરવેરા માટે બિલો આપવામાં આવ્યા છે. ત્રણ વર્ષથી વધુ સમયનો વેરો બાકી છે. 3.22 કરોડ જેટલો વેરો બાકી છે. આ માટે સરકાર પાસે ખાસ ગ્રાન્ટ માગવામાં આવશે. ગ્રાન્ટ મળે કે તરત જ બાકી વેરો ભરી દેવામાં આવશે.