સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના 25 ગામોને એલર્ટ કરાયા
અમદાવાદઃ સરદાર સરોવર નર્મદા ડેમમાં મધ્યપ્રદેશમાં પડેલા સારા વરસાદને કારણે પાણીની સારી આવક થઈ રહી છે. સોમવારે સાંજે 5 વાગ્યે નર્મદા ડેમના 23 ગેટ વધુ ઊંચાઈ સુધી ખોલીને નદીમાં 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે ડભોઇના ત્રણ, શિનોરના 11 અને કરજણ તાલુકાના 11 નદી કાંઠાના ગામો મળી કુલ 25 ગામોને એલર્ટ કરાયા હતા. સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 136 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં હાલ 3.12 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમની સપાટી 136 મીટરે પહોંચી ગઈ છે. રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરીને 44,603 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને નર્મદા કેનાલમાં 17,857 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના કુલ 23 ગેટ 2.15 મીટરની ઊંચાઈ સુધી ખોલીને 3.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. આ ઉપરાંત જળ વિદ્યુત મથકમાંથી છોડવામાં આવતા પાણી સાથે નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ગઈ છે. તેના લીધે નિચાણવાળા નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે.
સરદાર સરોવરમાંથી નર્મદામાં 3.50 લાખ ક્યુસેક પાણી તેમજ જળ વિદ્યુત મથકમાંથી છોડવામાં આવતા પાણી સાથે નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ ગઈ છે. હાલ ડેમના 23 દરવાજા 2.15 મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યા છે. ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાં થી પણ પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું હોવાથી નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.