- તમિલનાડુમાં ભૂકંપના આંચકા
- ૩.6 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ નુકશાન કે જાનહાનિ નહીં
ચેન્નાઈ:તમિલનાડુમાં સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે લગભગ 4.17 વાગ્યે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર વેલ્લોરથી 59 કિલોમીટરના અંતરે હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપ આવ્યો ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા અને ઓછી તીવ્રતાના કારણે મોટાભાગના લોકોએ તેના આંચકા અનુભવ્યા ન હતા.
આમ છતાં કેટલાક લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા. જો કે, આ આંચકાઓને કારણે કોઈ જાનહાનિ કે જાન-માલના નુકસાનના અહેવાલ નથી. છેલ્લા કેટલાક મહિનામાં દક્ષિણ ભારતમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 4:17 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર તમિલનાડુના વેલ્લોરથી 59 કિમી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં 25 કિમીની ઊંડાઈએ હતું. આ સાથે જ ભૂકંપના આંચકા અનુભવાયા બાદ વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સતર્ક થઈ ગયું છે.
આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ તમિલનાડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારબાદ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ઓગસ્ટમાં ચેન્નાઈથી 300 કિમી દૂર બંગાળની ખાડીમાં 5.1ની તીવ્રતાનો અંડરવોટર ભૂકંપ આવ્યો હતો.