અમદાવાદઃ દેશમાં વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દેશના ટોપટેન રાજ્યોમાં ગુજરાતના સમાવેશ થાય છે. સૌથી વધારે તમિલનાડુમાં માર્ગ અકસ્માતના બનાવો બન્યાં છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2020માં માર્ગ અકસ્માતોની બાબતમાં તમિલનાડુ દેશમાં પ્રથમ નંબરે અને મધ્યપ્રદેશ બીજા નંબરે રહ્યું હતું. 2020માં ગુજરાતમાં 13,398 માર્ગ અકસ્માતો થયા હતા અને આ અકસ્માતોમાં 6170 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ટકાવારીની દૃષ્ટિએ દેશમાં કુલ માર્ગ અકસ્માતોમાં ગુજરાતનો હિસ્સો 3.70 ટકા છે.
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે ટ્રાન્સપોર્ટ મંત્રાલયની રિસર્ચ ટીમે રોડ એક્ઝિટ ઇન ઇન્ડિયા-2020નો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ 2019માં 17,046 માર્ગ અકસ્માતો થયા હતા, જ્યારે વર્ષ 2020માં 13,398 માર્ગ અકસ્માતો થયા હતા. એટલે કે વર્ષ 2019ની સરખામણીમાં ગુજરાતમાં 21 ટકા ઓછા અકસ્માતો થયા છે. જ્યારે 6,170 લોકોના મૃત્યુ સાથે, દેશમાં માર્ગ અકસ્માતને કારણે થયેલા કુલ મૃત્યુમાં ગુજરાતનો હિસ્સો 4.7 ટકા રહ્યો છે. વર્ષ 2020માં નંબર વન તમિલનાડુમાં 45,484 માર્ગ અકસ્માતો થયા હતા. તે જ સમયે, મધ્ય પ્રદેશમાં 45,266 અકસ્માતો થયા. એટલે કે દેશના કુલ માર્ગ અકસ્માતોમાંથી 24.80 ટકા અકસ્માતો આ બે રાજ્યોમાં થયા છે. આ સિવાય ઉત્તર પ્રદેશમાં 34,243, મહારાષ્ટ્રમાં 24,971 અને રાજસ્થાનમાં 19,114 માર્ગ અકસ્માતો થયા છે.
કોરોના રોગચાળાને કારણે, વર્ષ 2020 માં, સરકાર દ્વારા દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લોકડાઉન જે લગભગ અઢી મહિના સુધી ચાલ્યું અને તે પછી નાઇટ કર્ફ્યુની અસર માર્ગ અકસ્માતના આંકડા પર જોવા મળી. કોરોના પહેલા વર્ષ 2019માં દેશમાં કુલ 4,49,002 માર્ગ અકસ્માતો થયા હતા. તે જ સમયે, લોકડાઉનના વર્ષમાં એટલે કે 2020 માં, આ સંખ્યા 3,66,138 હતી. મૃત્યુના કેસોમાં પણ, 2019 માં 1,51,113 મૃત્યુ થયા હતા, જે વર્ષ 2020 માં ઘટીને 1,31,714 થયા હતા.