ગાંધીનગરઃ રાજ્યમાં કોલેજોના વિદ્યાર્થીઓને માત્ર રૂપિયા 1000માં ટેબ્લેટ આપવાની યોજના વર્ષોથી અમલમાં છે. પરંતુ છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા ન હોવાથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા ટેબ્લેટ આપવાની માગ ઊઠી હતી. આખરે સરકારે 3.75 લાખ વિદ્યાર્થીઓને માર્ચના અંત સુધીમાં ટેબ્લેટ આપવાનો નિર્ણય લીધો છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા નથી ત્યારે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે 3.75 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની પ્રક્રિયા આગામી માર્ચ મહિના સુધીમાં પૂર્ણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રાદેશિક ભાષામાં ઇજનેરી અને ડિપ્લોમાં ઇજનેરીમાં અભ્યાસ પુરો પાડવાની પ્રક્રિયા હાથ ધરી હોવાથી 88 પુસ્તકોનું ભાષાંતર પણ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પૂર્ણ કરાશે. એટલે નવા સત્રથી વિદ્યાર્થીઓ ઈજનેરીનો અભ્યાસ માતૃભાષામાં પણ કરી શકશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેબ્લેટની ખરીદીમાં વિવાદને કારણે છેલ્લા બે વર્ષથી ખોરંભે પડેલી વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાની યોજના છેવટે પુરી થાય તેવા સંજોગોમાં ઉભા થયા છે. આગામી માર્ચ મહિના સુધીમાં વિદ્યાર્થીઓના હાથમાં ટેબ્લેટ આવી જાય તે રીતે પ્રક્રિયા શરૂ કરાઇ છે. આ સાથે વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષ માટે ટેબ્લેટ આપવાના બાકી છે તે પુરા પાડવા માટે પણ ખરીદી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટેબલેટ રૂ. એક હજારની કિંમતે ડિગ્રી અને ડિપ્લોમાં ઇજનેરીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને ડિજિટલ વાંચન પુરું પાડવા માટે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં લાઇબ્રેરીઓનું ડિજિટલાઇઝેશન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજીની શરૂઆત કરાશે.