અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 3-D લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત
અમદાવાદઃ આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં 3- ડી લેપ્રોસ્કોપીની મોટી ભૂમિકા છે. જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં, 3D લેપ્રોસ્કોપી શરીર ના અંદર નાં અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રીપારીમાણીક વિઝન આપે છે . જે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર, વગેરે નાં ઓપેરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે.
આ ઉત્તમ ત્રીપારીમાનિક વિઝન નાજુક પ્રોસિઝરો માટે જરૂરી સચોટ ચીરફાડ અને ટાંકા લેવાં માં મદદ કરે છે. વિવિધ ગાંઠની સર્જરી માં ચોકસાઈ સુધારે છે અને સર્જરી દરમ્યાન લોહી ઓછું વહે છે. ૩ડી લેપ્રોસ્કોપી નાં કારણે ઓપન સર્જરી નો દર ઘટાડી શકાય છે અને ઓછા માં ઓછી કાપકૂપથી જટિલ સર્જરી કરી સર્જિકલ પરિણામોમાં સુધારો કરી શકાય છે.
આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં ૩-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમ ની સુવિધા કાર્યરત કરાવી છે. એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર દિક્ષીત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી સહિતના તબીબોના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ના યૂરોલોજી વિભાગ દ્વારા રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી (પ્રોસ્ટેટ કેન્સર), રેડિકલ સિસ્ટેક્ટોમી (મૂત્રાશયનું કેન્સર), કોમ્પ્લેક્સ આંશિક નેફ્રેક્ટોમી, આંશિક સિસ્ટેક્ટોમી, રેડિકલ નેફ્રેક્ટોમી (કિડની કેન્સર), પાયલોપ્લાસ્ટી, વેસીકોવેજીનલ ફિસ્ટ્યુલા, વગેરે જેવી ૨૧૦૦ થી વધુ લેપ્રોસ્કોપી સર્જરીઓ કરવામાં આવી છે.
ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતું કે,3D લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલના તમામ સર્જિકલ વિભાગો જેવા કે પીડિયાટ્રિક સર્જરી, ગાયનેકોલોજી, જનરલ સર્જરી વગેરે દ્વારા ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ્ ડોકટરોને સર્જીકલ તાલીમમાં પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. જે તાલીમાર્થીઓને વધુ સચોટ અને ઊંડાણપૂર્વક શીખવાનો અનુભવ પ્રદાન કરશે જે દર્દીઓ અને સર્જીકલ ડોકટરો ની ટીમ બંને માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.