અમદાવાદઃ ગુજરાતમાં પ્રી-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એવામાં હવે વધુ આગામી 2-3 દિવસ સૌરાષ્ટ્ર તથા મધ્ય તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, સુરેન્દ્રનગર, જુનાગઢ તથા પોરબંદર જિલ્લાઓમાં રવિવારથી મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદ શહેરનું તાપમાન આગામી 3 દિવસો સુધી નીચે ગગડીને 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે. રાજ્યના 23 જેટલા તાલુકાઓમાં શનિવારે વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ કેરળમાં ચોમાસાનું આગમાન થઈ ચૂક્યું છે અને ઝડપથી તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શનિવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ પહોંચ્યું હતું. આ કારણે બંને રાજ્યોના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અપેક્ષા મુજબ રહ્યું. તે મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગિરિ જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું હતું. તેના કારણે દક્ષિણ કર્ણાટક જિલ્લામાં પણ વરસાદ પડ્યો હતો. ચોમાસાની આગળ વધવા માટે હવામાન અનુકૂળ છે. તે મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં આગળ વધી શકે છે. ગુજરાતમાં 20 જૂન પહેલા ચોમાસુ પહોચે તેવી સંભાવના છે. આજે મેઘરાજા સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, સુરત અને રાજકોટ શહેર-જિલ્લા પંથકમા વરસી પડયા હતા. રાજકોટ શહેરમાં ગોંડલ’ રોડ વિસ્તારમાં છૂટાછવાયા છાંટા પડયા હતા. અમરેલીમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના લીલિયા ખાતે પણ વરસાદનું જોરદાર ઝાપટું આવી ગયું હતું.ભાવનગરના ગોહિલવાડ પંથકમાં ચોમાસાનાં આગમનનાં એંધાણ દેખાય છે. ગઇ મોડી રાત્રિનાં એક વાગે ભાવનગર શહેરમાં ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી. શહેરમાં રાત્રે અડધા ઇંચથી વધુ વરસાદ પડી ગયો હતો.
જ્યારે જિલ્લાનાં પાલિતાણામાં આજે બપોરે વરસાદ પડયો હતો. જેસર પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ પડયો છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. કડાકા-ભડાકા સાથે વીજળી થઇ રહી છે. ત્યારે લીંબડી તાલુકાના શિયાણી ગામે અનુભા મનુભા ઝાલાના રહેણાંક મકાન ઉપર વીજળી પડી હતી. વીજળી પડતાની સાથે ઘરવખરી બળીને ખાખ થઇ ગઇ હતી.