- કાર પસાર થતી હતી, ત્યારે જ એકાએક પાણીનો પ્રવાહ વધ્યો,
- વાસાવડ ગામથી કાર મોટી ખિલોગી ગામે જતી હતી,
- NDRFની ટીમે શોધખોળ આદરી
રાજકોટઃ જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે આજી સહિત તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. અને નદીઓમાં પૂર આવ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ હતી. ઇક્કો કાર વાસાવડ ગામ તરફથી મોટી ખીલોરી જતી હતી. તે દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદીના બેઠા પુલ પરથી પરથી ઇક્કો કાર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધતા ઇક્કો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. ઇક્કો કારમાં એક બાળક સહિત પરિવારના ત્રણ લોકો સવાર હતા. ત્રણેય લોકો લાપત્તા બનતા એનડીઆરએફની ટીમ દ્વારા શોધ ખોળ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત રહેતા લોકો અને તંત્રની ચિંતા વધી છે. દરમિયાન ગોંડલ નજીક કોલપરી નદીમાં કાર તણાતા કારમાં સવાર બાળક સહિત ત્રણ લોકો લાપત્તા બન્યા હતા. ઇક્કો કારમાં પરિવાર ગોંડલના મોટી ખીલોરી ગામે તેમના સગાને ત્યાં જતા હતા. ગોંડલ નગરપાલિકા ફાયર ટીમે ઘટના સ્થળે દોડી જઈને પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઇક્કો કાર મળી આવી હતી. કારમાં સવાર ત્રણ વ્યક્તિ લાપતા છે. નદીમાંથી ઇક્કો કારને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. NDRFની પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ સૂત્રોના કહેવા મુજબ બાબરા તાલુકાના રાયપર ગામે રહેતા જયેશભાઇ પરસોતમભાઈ રાદડિયા (ઉ.વ.40), સોનલબેન જયેશભાઇ રાદડિયા (ઉ.વ.39) અને ધર્મેશ જયેશભાઇ રાદડિયા (ઉ.વ.11) આ ત્રણેય વ્યક્તિ ઇક્કો કારમાં સવાર હતા. ઇક્કો કાર મળી ગઈ છે, પરંતુ કારમાં સવાર લાપતા પરિવારની શોધખોળ હાલ ચાલી રહી છે.
#RajkotFlood #HeavyRainfall #CarSweptAway #NDRFRescue #FloodRescueOperation #GujaratRain #SaurashtraFlood #RiverOverflow #MissingPersons #NaturalDisaster #GujaratFloodUpdate #MonsoonHavoc #FloodAlert #WaterLevelRise #FamilyMissing #RainImpact #EmergencyResponse #FloodedRoads #RescueEfforts #RainDamage