Site icon Revoi.in

ખનીજ વિભાગના અધિકારીની કાર પર GPS ટ્રેકર લગાવવા કેસમાં 3ની અટકાયત

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં ખાણ ખનીજ અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCB દ્વારા કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીની જાસુસી કરવા માટે તેમની કારમાં જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યુ હતું. અને કારના ચાલકને જીપીએસ ટ્રેકર લગાવ્યાની જાણ થતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠામાં તંત્રની કડકાઈ છતાંયે ખનીજચોરી અટકવાનું નામ લેતી નથી. ખનીજ માફિયાઓ પણ ખનીજ વિભાગના દરોડાથી બચવા માટે અવનવી તરકીબ અપનાવતા હોય છે. ત્યારે કનીજ વિભાગના અધિકારીની કારમાં કોઈએ જીપીએસ ટ્રેકર લગાવી દીધુ હતું. જેથી અધિકારી રેડ કરવા માટે આવે તો પહેલાથી જ ખનીજ માફિયાઓને જાણ થઈ જતી હતી. ખનીજ વિભાગના અધિકારીની કાર પર જીપીએસ ટ્રેકર પકડાયા બાદ પોલીસ ફરિયાદ નોંધાતા આ તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસે ખનીજ વિભાગના અધિકારીની કારમાં GPS ટ્રેકર લગાવવાના કેસમાં બહુચરાજી તાલુકા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ દરબારની સંડોવણી બહાર આવતાં તેની અટકાયત કરાઈ છે.

પાલનપુરમાં ડિસેમ્બર 2023માં ખનીજ વિભાગના અધિકારીના ડ્રાઇવર રાજેન્દ્રસિંહ કારની સફાઈ કરતા હતા ત્યારે તેની નજર ડીઝલની ટાંકી ઉપર દેખાતા ચાલક રાજેન્દ્રસિંહ તરત જ પોતાના અધિકારી ગુરપ્રીતસિંહને જાણ કરતા તેમણે આ અંગે તાત્કાલિક અસરથી રોયલ્ટી ઈન્સ્પેકટર જીગરકુમાર ઠકકરને કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા જીગરકુમાર ઠકકર દ્વારા અજાણ્યા શખસ વિરુદ્ધ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભૂ-માફીયાઓ અને રોયલ્ટી ચોરો દ્વારા આ જીપીએસ સિસ્ટમ લગાવીને અધિકારી સહિત સ્ટાફ ક્યારે ક્યાં જાય છે તેની વોચ રાખવા વોટસએપ ગ્રુપ બનાવી સરકારી ગાડીમાં જીપીએસ લગાવી જાસૂસી કરવાના મામલામાં પોલીસે એક પછી એક સાત જણની અટકાયત કરી હતી. અને નવ આરોપીઓ ફરાર હતા જે પૈકી વધુ ત્રણ આરોપીઓ પાલનપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા દબોચી લેવાયા છે. જેમાં ભરત મેતુજી ઠાકોર (કંબોઈ તા. કાંકરેજ.), આનંદ લાલાજી ઉર્ફે વદેસિંગ ઠાકોર (રહે દુદોસણ તા. કાંકરેજ) ને અગાઉ ઝડપી લેવામાં આવ્યા હતા. જે બાદ બહુચરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ અને રેતી કપચી સાથે સંકળાયેલા ગોવિંદસિંહ દરબાર(રહે. દેલવાડા તાલુકો બહુચરાજી)ને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝડપાયેલા આરોપીઓ પોતાની માલિકીના ડમ્પરો ધરાવતા હતા અને મુખ્ય આરોપીઓ પાસેથી ભૂસ્તર વિભાગના અધિકારીઓ અને ગાડીઓના લોકેશન મેળવી રોયલ ચોરી કરતા હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું.