Site icon Revoi.in

મુળીના દેવપરા ગામે કોલસો કાઢવા જીલેટિનથી બ્લાસ્ટ કરાયા બાદ ગેસ ગળતરથી 3નાં મોત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લાના મુળી તાલુકાના દેવપરા ગામે કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે મજૂરોને ઉતારાતા ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને તંત્રના અધિકારીઓ દોડી ગયા હતા. મોતને ભેટેલા ત્રણેય શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી-થાન સહિતના તાલુકાઓમાં જમીનમાં ધરબાયેલો કાચો કોલસો કાઢવા માટે ઘણા વખતથી ગેરકાયદે બેરોકટોક પ્રવૃતિઓ ચાલી રહી છે. અને તંત્રની મીઠીં નજર હોવાથી કોઈ પગલાં લેવામાં આવતા નથી. હજુ પખવાડિયા પહેલા જ મૂળી તાલુકામાં કૂવો ખોદતી સમયે ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા ત્યાં જિલ્લામાં વધુ એક ગેરકાયદે ખાણમાં ત્રણ મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દેવપરા ગામમાં કાર્બોસેલની ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયા બાદ કોલસો કાઢવા માટે મજૂરોને ઉતારાતા ગેસ ગળતરના કારણે ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મજૂરોની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. જિલ્લામાં 21 દિવસમાં જ ખાણ મજૂરોના મોતની બે ગંભીર ઘટનાઓ બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના દેવપરામાં ચાલી રહેલા કાર્બોસેલના ગેરકાયદે ખનન માટે ખાણમાં જીલેટીનથી બ્લાસ્ટ કરાયો હતો. ત્યારબાદ રાજસ્થાનના મજૂરોને કોલસો કાઢવા માટે ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. જીલેટીન બ્લાસ્ટના કારણે ખાણમાં ગેસગળતર થવાના કારણે છ મજૂરો ઢળી પડ્યા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ મજૂરોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં ડીવાએસપી સહિત પોલીસ કાફલો દોડી ગયો હતો. ત્રણેય મૃતક શ્રમિકોના મૃતદેહોને મુળી સરકારી હોસ્પિટલમા પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આ બનાવ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 21 દિવસમાં આ બીજો બનાવ બન્યો છે. મૂળી તાલુકાના ખપાળીયા ગઢડા ગામની સીમમાં ગત તા. 24 જાન્યુઆરીએ કૂવો ગાળતી સમયે ભેખડ ધસી પડવાના કારણે ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. જે તે સમયે ઘટનાના 6 દિવસ બાદ પાંચ લોકોની બેદરકારીના કારણે ત્રણ શ્રમિકોના મોત થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. શ્રમિકોને કોઈ સેફ્ટી વગર કૂવામાં ઉતાર્યા બાદ ભેખડ ધસી પડતા ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતા. શ્રમિકોના મોત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર લાશનું પીએમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કરાવી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના 21 દિવસ બાદ જ જિલ્લામાં બીજી ઘટના બની છે અને તેમાં પણ ત્રણ શ્રમિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. જ્યારે ત્રણ શ્રમિકોની હાલત ગંભીર છે.