ભૂજઃ કચ્છના માંડવીના બીચ પર રોજબરોજ અનેક પ્રવાસીઓ દરિયાઈ મોજ માણવા માટે આવતા હોય છે. કેટલાક લોકો દરિયાઈ મોજાની મજા લેવા માટે નહાવા માટે પડતા હોય છે. ત્યારે ડૂબી જવાના બનાવો પણ વધી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ત્રણ યુવાનો ડૂબી જવાનો બનાવ બન્યો હતો. લોકોને દરિયામાં નહાવા માટે ન જવા સુચનાના બોર્ડ પણ મારવામાં આવ્યા છે. ઉપરાંત પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. છતાંપણ યુવાનો નાહવા માટે જતાં હોય છે. ત્યારે માંડવી બીચ પર ન્હાવાની મજા માણી રહેલા ત્રણ યુવકો ડૂબવા લાગતા અફરાતફરી મચી હતી. ડૂબી રહેલા ત્રણેય યુવકોએ બૂમાબૂમ કરી મૂકતા સ્થાનિક તરવૈયાઓએ તુરંત જ સ્પીડ બોટ દોડાવી ત્રણેયને ઉગારી લીધા હતા. ત્રણમાંથી એક યુવકની હાલત ગંભીર હોય તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે યુવકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છના માંડવીના રમણીય બીચ પર સાતમ-આઠમના તહેવારોને લીધે પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યા છે. દરમિયાન મંગળવારે બપોરના સમયે સહેલાણીઓ ન્હાવાની મોજ માણી રહ્યા હતા. તો કેટલાક સહેલાણીઓ વોટર સ્પોર્ટસની પણ મજા લઈ રહ્યા હતા. આ સમયે જ અહીં ન્હાવાની મોજ માણી રહેલા ત્રણ યુવકો અચાનક ડૂબવા લાગતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. સદનસીબે આ સમયે વોટર સ્પોર્ટસના કર્મચારીઓ અને સ્થાનિક તરવૈયાઓ કાંઠા પર હાજર હોય તુરંત જ સ્પીડ બોટ દોડાવી હતી અને ડૂબી રહેલા યુવકો સુધી પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓ ત્રણેયને બોટના માધ્યમથી યુવાનોને કાંઠા સુધી લાવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માંડવીના બીચ પરથી નહાવા પડેલા ત્રણ યુવાનો ડૂબી રહ્યા હોવાથી કાંઠે ઊભેલા લોકોએ બચાવો બચાવોની બુમો પાડતા ડૂબી રહેલા યુવનોને બચાવવા માટે સ્પીડ બોટ ગણતરીની મિનિટમાં જ યુવનો સુધી પહોંચી ગઈ હતી. તેમ છતાં એક યુવક વધુ પાણી પી જવાથી તબિયત બગડી હતી. સ્થાનિક તરવૈયાઓએ કિનારા પર જ પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય બે યુવકો ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. માંડવીના દરિયામાંથી જે ત્રણ યુવકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે તેઓ મોરબીથી માંડવી ફરવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ પૈકીના હાર્દિક હસમુખ કેલા નામના યુવકને માંડવી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
માંડવી બીચ પર છેલ્લા 10 દિવસમાં ડૂબી જવાની આ બીજી ઘટના છે. 10 દિવસ પહેલા અહીં નહાવા પડેલા ત્રણ કિશોરના ડૂબી જવાથી મોત થયા હતા. ત્યારબાદ મંગળવારે પણ અહીં ત્રણ યુવકો ડૂબવા લાગ્યા હતા. જો કે, અકસ્માત સમયે કિનારા પર સ્પીડ બોટ અને તરવૈયાઓ હાજર હોવાના કારણે તેમની સમયસૂચકતાથી ત્રણેય યુવાનોને બચાવી લીધા હતા. પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્ર સમાન માંડવી બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી અહીં ડૂબવાની ઘટનાઓમાં વધારો થતા સ્થાનિક લોકોએ અહીં લાઈફગાર્ડની વ્યવસ્થા કરવાની માગ કરવામાં આવી છે. જેથી સંભવિત અકસ્માત સમયે જાનહાનિને નિવારી શકાય તેમ છે.