અમદાવાદઃ રાજ્યમાં નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન શહેરના શાહીબાગ વિસ્તારમાં હનુમાન કેમ્પ નજીકથી એક મહિલા સહિત 3 શખ્સોને 3 કિલો ગાંજા પાસે પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ ગાંજાનો જથ્થો શહેરના કુબેરનગરની મહિલાને ડિલિવરી આપતા જતા જે પહેલા જ પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. જ્યારે કુબેરનગરની મહિલાને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા માટે કવાયત શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચોક્કસ બાતમીના આધારે પોલીસે કેમ્પના હનુમાન મંદિર નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે શંકાના આધારે એક મહિલા સહિત 3 શખ્સોને અટકાવ્યા હતા. તેમજ તેમની તપાસ કરતા તેમની પાસેથી 3 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને પૂછપરછ કરતા ત્રણેય આરોપીઓ કુબેરનગરમાં એક મહિલાને ગાંજાની ડિલિવરી આપવા જતા હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે તે મહિલાને ઝડપી લેવા તપાસ આરંભી હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ગુનો નોંધીને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી આવ્યા હતા, તેની પણ તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં યુવા ઘનને નશાના રવાડે ચડતા બચાવવા માટે પોલીસે વિશેષ અભિયાન હાથ ધરીને નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે તજવીજ શરૂ કરી છે. તાજેતરમાં જ એમડી ડ્રગ્સ સાથે પોલીસે એક મહિલાને ઝડપી લીધી હતી.