અમદાવાદઃ એમપીનો એક વેપારી ખાનગી લકઝરી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે લકઝરી બસ હાઈવે પરની એક હોટલ પર ઊભી રાખીને બસના ડ્રાઈવર – કંડકટરે અન્ય એક વ્યક્તિની મદદ લઈને વેપારીની 47 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ કરાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર-કંડકટર સહિત ત્રણ શખસોને પકડી પાડીને રૂપિયા 47 લાખની ચોરાયેલી રકમ કબજે કરી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળે છે. કે, મધ્યપ્રદેશના વેપારી તેજારામ પ્રજાપતિ છેલ્લા ત્રણેક વર્ષથી એક જ લકઝરી બસમાં મુસાફરી કરીને અમદાવાદ ધંધાર્થે આવતા હતાં. તેઓ દર અઠવાડિયે ભોપાલ ખાતેથી અમદાવાદ આવવાના સમયે મોટી રોકડ રકમ બેગમાં લઇને આવતા હોવાનું લકઝરી બસના કંડક્ટર અને ડ્રાઈવરના ધ્યાને આવ્યું હતું. જેથી તેમણે વેપારીની બેગમાંથી પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. તેમણે ભોપાલથી અમદાવાદ ખાતે આવવાના સમયે પેસેન્જરોને જમવા માટે લકઝરી સોનકચ્છ નજીક આવેલા પપ્પુ ઢાબા ખાતે લકઝરી ઉભી રાખી હતી.જ્યાં વેપારી તેજારામ જમવા માટે નીચે ઉતર્યા હતાં તે સમયે આરોપી કંડકટર હિરાલાલના ભાઇ ભેરાલાલને તેની બેગની ચોરી કરવા માટેનો પ્લાન બનાવી તેને પણ ચોરીના પ્લાનમાં સામેલ કર્યો હતો.ઘડેલા પ્લાન મુજબ ત્રણેય આરોપીઓ 23 જુલાઈના રોજ અમદાવાદથી ભોપાલ ખાતે લકઝરી બસમાં આવ્યા હતા. 24 જુલાઈના રાત્રે નવેક વાગે રાબેતા મુજબ લકઝરી બસ પપ્પુ ઢાબા ખાતે પેસેન્જરોને જમવા માટે ઉભી રહેલી આ સમયે કંડકટર હિરાલાલે તેના ભાઇ ભેરાલાલને ઇશારો કરી વેપારીની બેગ બતાવી દીધી હતી. જેથી આરોપી ભેરાલાલ તે રોકડ રૂપિયા ભરેલી બેગની ચોરી કરી ત્યાંથી નીકળી ગયો હતો. જે ચોરીમાંથી મળેલા રૂપિયા 47 લાખના ભાગ પાડી ત્રણેય આરોપીઓ રાજસ્થાન ખાતે જઇ રહેલા તે સમયે પકડાઈ ગયાં હતાં. આરોપીઓ પૈકી બે આરોપીઓ ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી ભોપાલના રૂટમાં ડ્રાઇવર તથા કંડક્ટર તરીકે કામ કરતાં તેમજ ત્રીજો આરોપી કંડક્ટરનો ભાઇ થાય છે.