નવી દિલ્હીઃ પાકિસ્તાનની લાહોર હાઈકોર્ટના 3 ન્યાયમૂર્તિઓને ધમકી ભર્યો પત્ર મળ્યો હતો. જેની ઉપર કોઈ પ્રકારનો પાવડર લગાવવામાં આવ્યો હતો. આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટના જસ્ટીસોને પણ આવા ધમકી ભર્યા પત્ર મળ્યાં હતા. પંજાબ પ્રાંતના એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પત્રને પાઉડરની તપાસ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે. આ પાઉડર એંથ્રેસ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જે જસ્ટીસોને પત્ર મળ્યો છે, તેમાં શુઝાત અલી ખાન, ન્યાયમૂર્તિ બિલાલ હસન અને જસ્ટીસ આલિયા નીલમનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, આ ઘટના બાદ લાહોર પોલીસ અને આતંકવાદ વિરોધી વિભાગ (સીટીડી)ના ઉચ્ચ અધિકારી લાહોર હાઈકોર્ટ દોડી ગયા હતા અને જસ્ટીસોને મળેલા પત્રો જપ્ત કર્યાં હતા. તેમજ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવી છે. ધમકી ભર્યો પત્ર મળ્યા બાદ લાહોર હાઈકોર્ટમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની પોલીસને પત્ર પહોંચાડનાર કુરિયર કંપનીના કર્મચારીની અટકાયત કરી છે. તેમજ કર્મચારીની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ ઈસ્લામાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ આમિર ફારુક સહિત હાઈકોર્ટના આઠ જસ્ટીસને શંકાસ્પદ એંથ્રેક્સ યુક્ત પત્ર મળ્યો હતો.
ઈસ્લામાબાદ હાઈકોર્ટના છ જેટલા જસ્ટીસએ એક પત્ર લખીને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઉપર ગંભીર આરોપ લગાવ્યો હતો. જસ્ટીસોએ આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાનની એજન્સીઓ ન્યાયપાલિકાને કામ કરવા દેતી નથી. તેમજ ન્યાયમૂર્તિઓ ઉપર દબાણ કરવામાં આવે છે. આ મામલાને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધો છે.