અમદાવાદઃ બગોદરા નજીક પૂરઝડપે પસાર થતી જીપકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા જીપ આગળ જતા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં જીપમાં સવાર 3 શ્રમિકોના કરૂણ મોત થયાં હતા. જ્યારે પાંચ શ્રમિકોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના અરણેજ-બગોદરા હાઈવે પર મજૂરો ભરેલી જીપકાર પસાર થઈ હતી. પૂરઝડપે પસાર થતી આ જીપના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને જીપ આગળ જતા ટ્રેલરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. જેથી તેમાં સવાર શ્રમજીવીઓની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી.
માર્ગ અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં 3 શ્રમજીવીના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસે મૃતક શ્રમજીવીઓની ઓળખ મેળવવા માટે કવાયત શરૂ કરી છે.