Site icon Revoi.in

હારિજ-ચાણસ્મા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 3નાં મોત, 8ને ઈજા

Social Share

પાટણઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે હારિજ-ચાણસ્મા હાઈવે પર  ઈકોકાર અને ટેન્કર વચ્ચે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં ઈકો કારમાં પ્રવાસ કરી રહેલા બે પુરૂષ અને એક મહિલા સહિત ત્રણના મોત નિપજ્યા હતા. જ્યારે 8 જણાને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા છે.

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર બેફામ ગતિએ દોડતાં વાહનોને કારણે અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે, ત્યારે આવો જ એક ગોજારો માર્ગ અકસ્માત ફરીથી સર્જાયો છે. હારીજ-ચાણસ્મા હાઇવે પર પેસેન્જર ભરીને જઈ રહેલી ઈકો કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થતાં 3 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાની સાથે 8 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગતો એવી છે કે, ચાણસ્મા-હારીજ હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલાં ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. આશાપુરા માતાનાં દર્શન કરીને પરિવાર ઇક્કો કાર પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન ઇક્કો કાર અને ટેન્કર વચ્ચે અગમ્ય કારણસર ગમખ્વાર અકસ્માત સર્જાતાં કારમાં બેઠેલા મુસાફરોની ચિચિયારીઓથી માર્ગ ગુંજી ઊઠ્યો હતો. ગમખ્વાર અકસ્માતમાં ઇક્કો કારમાં સવાર 2 પુરુષ અને 1 મહિલાનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હોવાની સાથે 8 જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા આ અકસ્માત ચાણસ્મા-હારીજ હાઈવે માર્ગ પર આવેલી ખોડલ હોટલ નજીક સર્જાતાં સ્થાનિક લોકો ઘટનસ્થળે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 મારફત પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાારે ઘટનાસ્થળે મૃત્યુ પામેલી વ્યક્તિઓના મૃતદેહોને હારીજના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે હારીજ પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ, ટેન્કર મહેસાણા તરફ જઈ રહ્યું હતું ત્યારે માતાના મઢ તરફથી આવી રહેલી ઈકો ગાડીના ચાલકે પાછળથી ટેન્કરને ટક્કર મારતાં ઈકો ગાડી રોડ સાઈડની ચોકડીઓમાં પલટી જતાં આ ગોઝારી હોનારત સર્જાઇ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ પૈકી બે લોકોની લાશનું પોસ્ટમોર્ટમ હારીજ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યારે એકનું પોસ્ટમોર્ટમ ચાણસ્મા પોલીસ મથકે કરાયું હતું.